ચૂંટણી અને તહેવારની સિઝનમાં દાળ, ઘંઉ, ચોખા, ખાંડના ભાવ વધ્યા
- છેલ્લા એક વર્ષમાં તુવેર દાળ 38 ટકા મોંઘી થઇ
- છેલ્લા એક વર્ષમાં અડદ દાળના ભાવ 10 ટકા, મગની દાળના ભાવ 11.66 ટકા, ચોખાના ભાવ 13 ટકા વધ્યા
- છેલ્લા એક વર્ષમાં ઘંઉના ભાવમાં 5.39 ટકા, ઘંઉના લોટના ભાવમાં 4.45 ટકા, ખાંડના ભાવમાં 3.32 ટકાનો વધારો
નવી દિલ્હી : સપ્ટેમ્બરમાં ભલે રીટેલ ફુગાવાનો દર ઘટીને પાંચ ટકા થઇ ગયો હતો પણ ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં થઇ રહેલો ઉછાળો રોકાવાનું નામ લઇ રહ્યું નથી. એક વર્ષમાં તુવેરની દાળ ૩૮ ટકા મોંઘી થઇ ગઇ છે.રીટેલ બજારમાં તુવેર દાળના ભાવ ૧૫૦ રૂપિય પ્રતિ કીલોને પાર થઇ ગયા છે. જ્યારે ચોખા, ઘંઉ અને લોટના ભાવ પણ સતત વધી રહ્યાં છે. મોંઘી ખાંડને કારણે તે પણ કડવી બની રહી છે.
એક પણ તહેવારની સિઝન છે જ્યારે બીજી તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે અને આગામી વર્ષ ૨૦૨૪માં લોકસભા ચૂંટણી છે. આ અગાઉ ચોખા, દાળ, લોટ અને ખાંડના ભાવમાં ઉછાળો સત્તાધારી પક્ષ માટે ચૂંટણી ગણિતને બગાડી શકે છે.
ગ્રાહક બાબતોના વિભાગના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના જણાવ્યા અનુસાર ૨૯ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ તુવેર દાળ ૧૫૪.૮૩ રૂપિયા પ્રતિ કીલોમાં નળી રહી હતી જે એક મહિના પહેલા ૧૪૮.૫ રૂપિયા પ્રતિ કીલો અને એક વર્ષ પહેલા ૧૧૨.૨૦ રૂપિયા પ્રતિ કીલોમાં મળી રહી હતી.
એક વર્ષ પહેલા અડદ દાળ ૧૦૮.૫૫ રૂપિયામાં મળી રહી હતી જે હવે ૧૧૯.૫૧ રૂપિયા પ્રતિ કીલોમાં મળી રહી છે. એટલે કે અડદ દાળના ભાવમાં એક વર્ષમાં ૧૦ ટકાનો વધારો થયો છે.
મગની દાળ એક વર્ષ પહેલા ૧૦૩.૫૧ રૂપિયા પ્રતિ કિલોમાં મળી રહી હતી જે હવે ૧૧૫.૫૮ રૂપિયામાં મળી રહી છે. એટલે કે મગની દાળના ભાવમાં એક વર્ષમાં ૧૧.૬૬ ટકાનો વધારો થયો છે.
સરકારી ડેટા અનુસાર એક વર્ષ પહેલા એક કીલો ચોખા ૩૮.૧૪ રૂપિયામાં મળી રહ્યાં હતાં જે હવે ૪૩.૦૯ રૂપિયામાં મળી રહ્યાં છે. એટલે કે એક વર્ષમાં ચોખાના ભાવમાં ૧૩ ટકાનો વધારો થયો છે.
એક વર્ષ અગાઉ એક કીલો ઘંઉનો ભાવ ૨૮.૯૬ રૂપિયા હતો જે વધીને ૩૦.૫૨ રૂપિયા થઇ ગયો છે. એટલે કે એક વર્ષમાં ૫.૩૯ ટકાનો વધારો થયો છે. ઘંઉનો લોટ એક વર્ષ અગાઉ ૩૪.૪૨ રૂપિયા મળતો હતો જે હવે ૩૫.૯૫ રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે એક વર્ષમાં ૪.૪૫ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ખાંડ ૪૨.૪૫ રૂપિયામાં મળી રહી હતી જેનો ભાવ વધીને હવે ૪૩.૮૬ રૂપિયા થઇ ગયો છે. એટલે કે એક વર્ષમાં ૩.૩૨ ટકાનો વધારો થયો છે.