શેરબજારમાં સતત તેજીને પગલે ડીમેટ ખાતાની સંખ્યા 16 કરોડને પાર

- વિતેલા જૂનમાં ૪૨ લાખથી વધુ નવા ખાતાનો ઉમેરો

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં સતત તેજીને પગલે ડીમેટ ખાતાની સંખ્યા 16 કરોડને પાર 1 - image


મુંબઈ : જૂનમાં ડીમેટ ખાતા ખોલવાનો આંક વધી ચાર મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. વિદેશી રોકાણકારો તથા ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં રેલીને પરિણામે ડીમેટ ખાતા ખોલાવવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જૂનના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા વધી ૧૬.૨૦ કરોડ પર પહોંચી ગઈ છે.

જૂનમાં ૪૨.૪૦ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યા હોવાનું સેન્ટ્રલ ડીપોઝિટરી સર્વિસીઝ લિ. અને નેશનલ સિક્યુરિટીસ ડીપોઝિટરી લિ.ના આંકડા જણાવે છે. જૂનમાં ખોલાવાયેલા ખાતાની સંખ્યા વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદ સૌથી ઊંચા છે.  ગયા વર્ષના જૂનમાં ૨૩.૬૦ લાખ ડીમેટ ખાતાનો ઉમેરો જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં ડીમેટ ખાતાની સંખ્યામાં ૩૪.૬૬ ટકા વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

કેન્દ્રમાં નવી સ્થિર સરકારની રચના થતાં બજારમાં સુધારો જળવાઈ રહેશે તેવી રોકાણકારો અપેક્ષા ધરાવી રહી છે. 

ભારતીય શેરબજારો હાલમાં નવી વિક્રમી સપાટી દર્શાવી રહ્યા છે જેને કારણે પણ રોકાણકારોના વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. સેકન્ડરી માર્કેટને કારણે પ્રાઈમરી માર્કેટ પણ હાલમાં ધમધમી રહ્યું છે તેને કારણે પણ ડીમેટ ખાતાની સંખ્યા વધી રહી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષનું બજેટ પણ લોકપ્રિય આવવાની રોકાણકારોને આશા છે, જેથી બજારમાં તેમની સક્રિયતા વધી રહી છે. 

દેશના શેરબજારોમાં કેશ તથા ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર પણ જૂનમાં નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ચૂંટણીના પરિણામોને લઈને ગત મહિને બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી  હતી જેને પરિણામે સરેરાશ ટર્નઓવરમાં વધારો જોવા મળ્યો હતો.


Google NewsGoogle News