નવા સપ્તાહમાં નિફટી 22555 ઉપર બંધ થતાં 22777 અને સેન્સેક્સ 74888 જોવાશે

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
નવા સપ્તાહમાં નિફટી 22555 ઉપર બંધ થતાં 22777 અને  સેન્સેક્સ 74888 જોવાશે 1 - image


- મહારાષ્ટ્ર દિન નિમિતે બુધવારે શેર બજારો બંધ રહેશે

- 75 વર્ષની અનુભવી, ટી ઉદ્યોગ માટે મશીનરીનું મેન્યુફેકચરીંગ, દેશ-વિદેશોમાં સપ્લાય કરતી, T & I GLOBAL LTD. , પૂર્ણ વર્ષ 2024-25માં અપેક્ષિત ઈપીએસ રૂ.30.43 અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.200 સામે રૂ.10 પેઈડ-અપ શેર માત્ર બીએસઈ પર રૂ.284.75 ભાવે ઉદ્યોગના સરેરાશ ૪૨ના પી/ઈ સામે  9.35ના પી/ઈએ ઉપલબ્ધ

મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન ગત સપ્તાહમાં  હળવું થવા સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં મિશ્ર ટ્રેન્ડ સાથે ગત સપ્તાહમાં આરંભના ચાર દિવસ બજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને કાયમ રાખવામાં આવ્યા બાદ એકાએક ફાઈનાન્સ-બેંકિંગ હેવીવેઈટ શેરોમાં ઓફલોડિંગ કરી તેજીનો ઉથલો કરાવવામાં આવ્યો છે. પરંતુ એકંદર ઈન્ડેક્સ મેનેજમેન્ટ ચાલુ હોય એમ સપ્તાહના અંતે જ કરેકશન આપવામાં આવ્યા છતાં સાઈડ માર્કેટ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું ચક્ર ગતિમાન રહ્યું છે. વૈશ્વિક મોરચે હજુ ફુગાવાનું જોખમ સતત ઝળુંબી રહ્યું હોઈ વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો કરવાથી દૂર રહી ગત સપ્તાહના અંતે બેંક ઓફ જાપાને પ્રમુખ રેટ જાળવી રાખતાં ફરી અમેરિકી ડોલર સામે યેનમાં કડાકો બોલાયો છે. ક્રુડ ઓઈલના ભાવ સપ્તાહ દરમિયાન અથડાતાં રહ્યા બાદ અંતે ફરી વધતાં જોવાયા છે. અમેરિકાનો જીડીપી વૃદ્વિનો દર નબળો આવતાં અને ફુગાવો  વધતાં અમેરિકી બજારોમાં આંચકા બાદ ગુગલ પેરન્ટ આલ્ફાબેટ સહિતના પરિણામોએ સપ્તાહના અંતે ફરી તેજી આવી છે. 

યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગ, કોર્પોરેટ પરિણામો, ક્રુડ ઓઈલના ભાવ પર નજર

વૈશ્વિક મોરચે આગામી સપ્તાહમાં મંગળવારે૩૦, એપ્રિલના યોજાનારી યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની મળનારી મીટિંગ અને ૧, મે ૨૦૨૪ના આ મીટિંગના જાહેર થનારા નિષ્કર્ષ પર નજર રહેશે. વ્યાજ દર આ વખતે યથાવત રહેવાની શકયતા છે. વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલ, અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોમાં ઉથલપાથલ પર નજર સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ભારતમાં આગામી સપ્તાહમાં ૨૯, એપ્રિલ ૨૦૨૪ના અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કેમિકલ્સ, ૩૦, એપ્રિલ ૨૦૨૪ના આઈઓસી, ૧લી મે, ૨૦૨૪ના અંબુજા સિમેન્ટ,  ૨,મે ૨૦૨૪ના અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈસીઝ, ૩, મે ૨૦૨૪ના ટાઈટન કંપની, ટાટા ટેકનોલોજીના જાહેર થનાર પરિણામ પર બજારની નજર રહેશે. આગામી સપ્તાહમાં ૧લી, મે ૨૦૨૪ના મહારાષ્ટ્ર દિન નિમિતે શેર બજારો બંધ રહેનાર હોવાથી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં નિફટી ૨૨૫૫૫ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૨૭૭૭ અને સેન્સેક્સ ૭૪૨૨૨ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૪૮૮૮ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : T & I GLOBAL LTD.

માત્ર બીએસઈ(૫૨૨૨૯૪) લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ, ISO 9001:2008 Certified,  ટી એન્ડ આઈ ગ્લોબલ લિમિટેડ(T & I GLOBAL LTD.) ટી પ્રોસેસીંગ મશીનરીની  અગ્રણી મેન્યુફેકચરર અને નિકાસકાર કંપની સીટીસી, ઓર્થોડોક્સ અને ગ્રીન ટી માટે કસ્ટમાઈઝ્ડ પ્રોસેસીંગ ઈક્વિપમેન્ટ સપ્લાય કરવામાં નિપૂણતા ધરાવતી કંપની છે. પરિવાર સંચાલિત બિઝનેસ ધરાવતી કંપનીની સ્થાપના વર્ષ ૧૯૪૯માં આસામ-ભારતના ઉદ્યોગપતિ બાગરિયા ફેમિલી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષો જતાં ગુ્રપ દ્વારા ટી ઉદ્યોગ માટે ઘણા ઈન્નોવેટીવ પ્રોડક્ટસ અને વેલ્યુ એડીશન્સ કરાયા હોવા સાથે ફૂડ અને કેમિકલ ઉદ્યોગો માટે કસ્ટમાઈઝ્ડ ડ્રાઈંગ સોલ્યુશન પણ રજૂ કરાયા છે. અત્યારે કંપની તેની પ્રતિષ્ઠા અને ગુડવિલ થકી વિશ્વમાં તમામ ટી ઉત્પાદક દેશોમાં પહોંચી છે. 

મેન્યુફેકચરીંગ સવલતો : ટી એન્ડ આઈ ગ્લોબલ ભારતમાં બે સંપૂર્ણ મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. જેમાં એક કોલકતા-પશ્ચિમ બંગાળમાં અને બીજી તમિલનાડુના ઈન્ડસ્ટ્રીયલ શહેર કોઈમ્બતુરમાં ધરાવે છે. કંપની  તેની સેલ્સ અને સર્વિસ સવલતો સ્થાનિક ઓફિસો કોઈમ્બતુર, કોલકતા, કુન્નુર(નિલગિરી), સિલિગુડી(નોર્થ બંગાળ) અને તિનસુખિયા-આસામ અને વિદેશોમાં ઓફિસો કોલંબો-શ્રીલંકા, નૈરોબી, કેન્યા અને હેનોઈ, વિયેતનામમાં ધરાવે છે. આ સવલતો સાથે કંપની કોઈમ્બતુરમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઈન્નોવેશન માટે આર એન્ડ ડી યુનિટ ધરાવે છે.

નિકાસ : ટી એન્ડ આઈ ગ્લોબલ લિ. માન્ય એક્ષપોર્ટ હાઉસ છે અને કંપની વૈશ્વિક બજારમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કંપની શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, બર્મા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા, કેન્યા, યુગાન્ડા, ઝાંમ્બિયા, માલાવી, ઈથોપિયા, નાઈજીરિયા, રવાન્ડા, તાન્ઝાનિયા, બ્રાઝિલ, કોલંમ્બિયા, વિયેતનામ, શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, ચાઈના, ફિલિપાઈન્સ અને પાપુઆ ન્યુ ગ્યુએનામાં નિકાસ બજાર ધરાવે છે. સ્થાનિક બજારમાં કંપની બ્લુચીપ ગ્રાહક કંપનીઓ ટાટા ટી, વિલિયમ્સન મેગોર, હેરિસન મલ્યાલમ લિમિટેડ, વોરેન ટી, કેડીએચપી, પેરી એગ્રો અને ગુડરિક ટી વગેરે ધરાવે છે. કંપની તેના નવા પ્રોડક્ટસ અને ડેવલપમેન્ટ્સ માટે ભારત અને વિદેશોમાં ઘણા પેટન્ટસ ધરાવે છે. કંપનીને વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન, યુનો તરફથી ડબલ્યુઆઈએફઓ એવોર્ડ અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન-ભારત સરકાર તરફથી ઈન્વેન્શન પ્રમોશન એવોર્ડ એનાયત થયેલો છે. ક્વોલિટી, એક્સિલેન્સ અને ઈન્નોવેશન માટે નામના ધરાવતી કંપનીના ટ્રેઈલ બ્લેઝિંગ મશીનો જેવા કે ટેમ્પેસ્ટ અને કેઈઝેન ભારત અને વિદેશમાં પેટન્ટેડ છે. અન્ય મશીનો જેવા કે એવરેસ્ટ, ટ્રીનિટી, બ્લેઝ વગેરેએ ટી ઉદ્યોગને ઘણા ફાયદા કરાવ્યા છે. કંપનીએ વિવિધ ડ્રાઈંગ એપ્લિકેશન્સ-ઉપયોગ માટે વિશ્વભરમાં ૫૦૦થી વધુ ડ્રાયર્સ સપ્લાય કર્યા છે. કંપની ભારતમાં યુનિલિવર માટે પ્રીફર્ડ ડ્રાયર સપ્લાયર છે.

કંપનીએ તાજેતરમાં ચાના પાનને સૂકવવાની પરંપરાગત પદ્ધતિમાં ક્રાંતિ લાવી કન્ટીન્યુઅસ વિથરિંગ મશીનોની વિઝાર્ડ રેન્જ રજૂ કરી છે. અન્ય ઉત્પાદનોમાં કેઈઝેન સીટીસી ટી પ્રોસેસર, મેટ્રિક્સ ઓટોમેટિક કન્ટીન્યુઅસ ફર્મેન્ટિંગ મશીનો, એવરેસ્ટ-વાઈબ્રેટરી ફલુઈડાઈઝ્ડ બેડ ડ્રાયર્સ, એક્સિસ એન્ડ સ્માર્ટ એક્સિસ ઓટોમેટિક મિલિંગ અને ચેઝિંગ મશીન્સ, કોન્ક્વેસ્ટ ડ્રાયર્સ રેન્જ, રોલોમેક્સ ઓર્થોડોક્સ અને ગ્રીન ટી રોલિંગ ટેબલ્સનો સમાવેશ છે. કંપની તેના મેઈનાક ટી એસ્ટેટ સહિત ૧૧૦૦ જેટલા કર્મચારીઓ ધરાવે છે. કંપનીએ કોકોનોટ પ્લાન્ટ મશીનરી ક્ષેત્રે વૈવિધ્યિકરણ કર્યું છે. જેમાં કંપની પ્લાન્ટ મશીનરી, કોકોનટ પ્લાન્ટ મશીનરી, કોકોનટ પ્રોસેસીંગ મશીનરી ઓફર કરે છે.

બુક વેલ્યુ :  માર્ચ ૨૦૨૧ના રૂ.૧૦૮, માર્ચ ૨૦૨૨ના રૂ.૧૨૮, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૪૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૧૭૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૨૦૦

ેર હોલ્ડિંગ પેટર્ન : બાગરિયા ફેમિલી પાસે ૫૩.૩૦ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ૨૧.૨૯ ટકા એચએનઆઈ અને અન્યો પાસે અને ૨૫.૪૧ ટકા રૂ.૨ લાખથી ઓછી શેરમૂડીધારકો પાસે છે.

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ :

ચોખ્ખી આવક  ૪૬ ટકા વધીને રૂ.૧૫૬.૫૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૩૯ ટકા થકી ચોખ્ખો નફો ૩.૩૬ ટકા ઘટીને રૂ.૮.૪૩  કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૬.૬૩ નોંધાવી છે.

(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ : 

ચોખ્ખી આવક ૩૨.૪૦ ટકા વધીને રૂ.૧૫૪.૭૧ કરોડ મેળવીને એનપીએમ ૬.૯૨ ટકા થકી ચોખ્ખો નફો ૪૫.૫૫  ટકા વધીને રૂ.૧૦.૭૦ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૨૧.૧૨ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૦૨ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૩.૯૭ કરોડ મેળવી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક-ઈપીએસ રૂ.૨૭.૫૭ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૨૨ કરોડ મેળવી એનપીએમ ૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૫.૪૨ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૦.૪૩ અપેક્ષિત છે.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ-ઈન્વેસ્ટમેન્ટ  એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) બાગરિયા પરિવારના ૫૩.૩૦ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની (૩) ૭૫ વર્ષનો અનુભવ ધરાવતી ટી ઉદ્યોગ માટે મશીનરીનું મેન્યુફેકચરીંગ અને દેશ-વિદેશોમાં સપ્લાય કરતી (૪) ૪૦ ટકા નિકાસ બજાર હિસ્સા સાથે અનેક દેશોમાં નિકાસ કરતી અને પેટન્ટ્સ ધરાવતી (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૪-૨૫માં અપેક્ષિત ઈપીએસ રૂ.૩૦.૪૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૦૦ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર માત્ર બીએસઈ પર રૂ.૨૮૪.૭૫ ભાવે ઉદ્યોગના સરેરાશ પી/ઈ ૪૨ સામે માત્ર ૯.૩૫ના પી/ઈએ ઉપલબ્ધ છે.


Google NewsGoogle News