નવા માર્જિન નિયમોથી ટ્રેડરો, બ્રોકરોનો ટ્રેડીંગ ખર્ચ વધશે
- નવા નિયમોથી ઘણાં નાના બ્રોકરોનો મૃત્યુઘંટ વાગી જશે
- બ્રોકરો માટે મૂડી ખર્ચમાં ૧૮ થી ૨૫ ટકાનો જંગી વધારો થશે : ક્લાયન્ટ ફંડિંગ માટે મોટા બ્રોકરોમાં હરીફાઈ તીવ્ર બનશે :
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા મે લાગુ નવા કડક માર્જિન નિયમોના પરિણામે ટ્રેડરો અને બ્રોકરો માટેના ફંડિંગ ખર્ચમાં ધરખમ વધારો થશે. ટ્રેડરોએ ૨,મે ૨૦૨૨થી જ આ નવા નિયમોના કારણે તેમની ફયુચર્સ અને ઓપ્શન્સની માર્જિન આવશ્યકતાના ૫૦ ટકા રાખવા ફરજિયાત બન્યા છે, જ્યારે બ્રોકરો શેર બજારો પાસેની તેમની માર્જિન જરૂરીયાતને પૂરી કરવા માટે હવેથી એક ક્લાયન્ટ-ગ્રાહકની કેશનો ઉપયોગ અન્ય ક્લાયન્ટ માટે કરી શકશે નહીં. સેબીના આ પગલાંથી બ્રોકરોની મૂડી જરૂરીયાતમાં વધારો થશે અને એનાથી ટ્રેડરો માટે ટ્રેડીંગ કરવું વધુ ખર્ચાળ બન્યું છે.
આ સાથે મોટા બ્રોકરોમાં ફંડિંગ માટે હરીફાઈ તીવ્ર બનવાની અને ઘણા નાના બ્રોકરોનો મૃત્યુઘંટ વાગી જવાની પણ શકયતા બતાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માર્જિનના નિયમો હેઠળ બ્રોકરો દ્વારા ટ્રેડીંગ ક્લાયન્ટોને ટ્રેડીંગ કરવા માટે ગીરો-પ્લેજ શેરો કોલેટરલ તરીકે ઉપયોગ કરવા દેવામાં આવતાં હતા. જો કે ક્લાયન્ટોએ તેમની કુલ કોલેટરલના ૫૦ ટકા કેશમાં લાવવાની આવશ્યકતા હતી, છતાં બ્રોકરો દ્વારા એ માટે ફરજ પાડવામાં આવતી નહોતી.
કેમ કે એક્સચેન્જોના ક્લિયરીંગ કોર્પોરેશનો બ્રોકરના લેવલે માર્જિનની આવશ્યકતાને માન્ય રાખતાં હતા અને બ્રોકિગ પેઢીઓ તેમના માર્જિન પૂલમાં એક ક્લાયન્ટના કેશનો અન્ય ઓછું માર્જિન ધરાવતાં ક્લાયન્ટો માટે ઉપયોગ કરવાનું માન્ય રાખતાં હતી.
નિયામક તંત્ર સેબીને કોઈ અન્ય ક્લાયન્ટના કેશનો ઉપયોગ કોલેટરલ તરીકે શેરો લેવામાં આવ્યા છતાં અન્યોના શોર્ટફોલો-ઓછા માર્જિન માટે ઉપયોગમાં સિસ્ટેમિક રિસ્ક-જોખમ લાગતાં માર્જિનના નિયમોને કડક બનાવવામાં આવ્યા હતા.
૨,મે ૨૦૨૨ના સોમવારથી ક્લિયરીંગ કોર્પોરેશનોએ બ્રોકરોના દરેક ક્લાયન્ટો માટે અલગ અલગ માર્જિન એકાઉન્ટો જાળવવાનું ફરજિયાત કરાયું છે. જેનાથી ક્લાયન્ટો માટે સોદા માંડવા માટે કોલેટરલ તરીકે ૫૦ ટકા કેશ લાવવાનું આવશ્યક બન્યું છે. જેનો મતલબ કે જો રૂ.એક લાખના ટ્રેડીંગ માટે રૂ.૫૦ હજાર માર્જિન તરીકે આવશ્યક રહે છે.
જો કે બ્રોકરો ક્લાયન્ટે લાવવાના રહેતાં ૫૦ ટકા કેશ કોલેટરલ આવશ્યકતાનું ફંડિંગ પોતાની મૂડીમાંથી કરી શકે છે. સેબીના નવા નિયમો સ્પષ્ટ છે કે, જો બ્રોકર તેના ક્લાયન્ટને ફંડિંગ કરવા ઈચ્છે છે તો એ પોતાના(બ્રોકર)ના નાણાંમાંથી જ કરી શકશે, અન્ય ક્લાયન્ટના નાણાંથી કરી શકશે નહીં.
બ્રોકિંગ વર્તુળોનું કહેવું છે કે, હવે હરીફાઈ એવી રીતે થશે કે કઈ પેઢી-બ્રોકર તેના મોટા ગ્રાહકોને સારી ફંડિંગ ઓફર કરવા સક્ષમ રહે છે. કેટલાક બ્રોકરો કેશ કોલેટરલ ફંડિંગ માટે વ્યાજ વસુલશે. ઝેરોધાનું કહેવું છે કે, પોતે કેશ માર્જિન આવશ્યકતાના શોર્ટફોલ-ઓછા માર્જિન પર દૈનિક ૦.૦૩૫ ટકા અથવા વાર્ષિક ૧૨.૫ ટકાના ધોરણે વ્યાજ વસુલશે-ચાર્જ કરશે. અન્ય વિવિધ મોટા બ્રોકરોએ પણ તેમના ગ્રાહકોને જાણ કરી છે કે તેમને-ગ્રાહકોને જો ૫૦ ટકા કેશ માર્જિન સમયસર લાવવામાં નહીં આવે તો ૧૮ ટકા સુધી વ્યાજ વસુલશે.
આ દરમિયાન બ્રોકરો માટે મૂડી ખર્ચમાં ૧૮ થી ૨૫ ટકાનો જંગી વધારો થઈ જશે. આ નવા નિયમોથી ઉદ્યોગમાં પારદર્શકતાનું પ્રમાણ જરૂર વધશે, પણ એની સાથે સાથે ઘણા નાના બ્રોકરોના અસ્તિત્વનો અંત આવી જશે. નાના બ્રોકરો-પેઢીઓ જૂના માર્જિન નિયમો મુજબ કામગીરી હાલ તુરત ચાલુ રાખે એવી શકયતા છે, કેમ કે આ નવા નિયમોનું પાલન નહીં કરવા માટે પેનલ્ટી ૧,જુલાઈ ૨૦૨૨થી લાગુ થનારી છે એવું ઉદ્યોગ વર્તુળોનું કહેવું છે.