Get The App

વિશાળ પ્રાણી હોસ્પિટલ રતન ટાટાનો છેલ્લો પ્રોજેક્ટ બની

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
વિશાળ પ્રાણી હોસ્પિટલ રતન ટાટાનો છેલ્લો પ્રોજેક્ટ બની 1 - image


મુંબઇ : રતન ટાટાના નિધનથી સમગ્ર દેશવાસીઓ આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. તેમની મબલખ કમાણી નહીં પરંતુ તેમના માનવતાવાદી કાર્યો, સખાવતો અન ખાસ તો અબોલ પ્રાણીઓનાં જતન માટે તેમણે કરેલા પ્રયાસો લોકોના હૃદયને સ્પર્શી ગયા છે. 

ટાટા જૂથના હેડક્વાર્ટર શેરીના શ્વાનોનું આશ્રયસ્થાન

સામાન્ય રીતે કોઈ કોર્પોરેટ હાઉસમાં સામાન્ય માણસોને પણ પ્રવેશ હોતો નથી. પરંતુ, સાઉથ મુંબઈમાં આવેલું  બોમ્બે હાઉસ તરીકે ઓળખાતું ટાટા જૂથનું હેડક્વાર્ટર તદ્દન અલગ તરી આવે છે. અહીં કોઈપણ મુલાકાતની શેરીનાં રખડતાં શ્વાન પણ લહેરથી આંટા મારતા જોવા મળે છે. અહીં આ શ્વાનોની સરભરા તથા કાળજી માટે અલાયદો સ્ટાફ પણ તૈનાત છે. વાસ્તવમાં રતન ટાટાએ રખડતા શ્વાનોની સારસંભાળ માટે બોમ્બે હાઉસ ખુલ્લું મૂકી દીધું છે. તેમના માટે ગ્રાઉન્ડ ફલોર પર એક અલાયદું આશ્રય સ્થાન બનાવાયું છે. અહીં શ્વાનોના ખાનપાન, આરામ તથા સારવારની સગવડો છે. 

આઈકોનિક તાજ હોટલમાં શ્વાનોને મુક્ત એન્ટ્રી

એકવાર ટાટા જૂથની તાજ હોટલમાં મુલાકાતી રૂબીખાને જોયું તો શેેરીનો એક શ્વાન ફાઇવસ્ટાર હોટલના દરવાજે શાંતિથી સૂતો હતો. આ શ્વાનને સૂતો જોઇ રૂબીખાનને નવાઇ લાગતાં તેમણે કર્મચારીઓને આ અંગે પૂછપરછ કરતાં તેમને જણાવાયું હતું કે આ શ્વાન તો જન્મથી જ અહીં જીવે છે. રતન ટાટાએ અમને હોટલમાં પ્રવેશતા તમામ પ્રાણીઓ સાથે કરૂણાથી વર્તવાની કડક સૂચના આપી છે. કોલાબામાં તાજ હોટલ આસપાસનું કોઈપણ રખડતું શ્વાન તાજ હોટલના ગેટ પાસે પહોંચે એટલે કર્મચારીઓ તેને કાળજીથી અંદર લઈ આવે છે, તેને ખવડાવે પીવડાવે છે. વરસાદ સામે તેના આશ્રયની પણ વ્યવસ્થા કરે છે. તાજ હોટલમાં આવતા દેશવિદેશના માંધાતા લોકો પણ આ શ્વાનોને અહીં આ રીતે આશ્રય લેતા જોઈ નવાઈ પામે છે અને રતન ટાટાની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. 

પાલતુ શ્વાન બીમાર પડયા તો પ્રિન્સ ચાર્લ્સના હાથે સન્માન ઠુકરાવ્યું

 જાણીતા એડમેન સુહેલ શેઠનો વાઇરલ થયેલો વિડિયો પણ રતન ટાટાના પ્રાણીપ્રેમની ગવાહી પુરી પાડે છે. ફેબુ્રઆરી ૨૦૧૮માં યુકેમાં તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સે બકિંગહામ પેલેસમાં ભારતમાં કરેલા સખાવતી કાર્યો માટે રતન ટાટાને એવોર્ડ આપવાનું નક્કી કર્યું હતું. આ સમારોહમાં સુહેલ શેઠ પણ ભાગ લેવાના હતા. પોતાના સ્માર્ટ ફોન પર રતન ટાટાના અગિયાર કોલ મીસ થયેલા જોઇ સુહેલ શેઠે વળતો કોલ કર્યો ત્યારે રતન ટાટાએ જણાવ્યું કે તેમનો શ્વાન ટીટો માંદો પડી ગયો હોઇ તેઓ અગાઉ નક્કી કર્યા મુજબ લંડન આવી શકે તેમ નથી. આમ,પોતાનો શ્વાન માંદો પડતાં રતન ટાટાએ તેમના માનમાં યોજાયેલા સમારોહમાં જવાનું  માંંડી વાળ્યું હતું.  પ્રિન્સ ચાર્લ્સેે  આ જ્યારે  આ વાત જાણી ત્યારે તેમણે પણ રતન ટાટાના આ પ્રાણીપ્રેમને બિરદાવ્યો હતો. રતન ટાટાના બે પાળેલાં શ્વાન ટેંગો અને ટીટો હતા. જેમાંથી ટીટોનું થોડા વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. 

રતન ટાટાનો શ્વાન ગોવા અંતિમવિધિ ટાણે પણ હાજર 

રતન ટાટા એક વખત ગોવા ગયા ત્યારે એક શ્વાન તેમની પાછળ પાછળ ચાલ્યા કરતો હતો. રતન ટાટાએ તેને પોતાની સાથે મુંબઇ લઇ આવ્યા અને તેનું નામ ગોવા પાડી દીધું. રતન ટાટાના પાર્થિવ દેહને જ્યારે એનસીપીએમાં અંતિમ દર્શન માટે રખાયો ત્યારે શ્વાન ગોવાએ પણ ત્યાં લવાયો હતો. અગિયાર વર્ષ સુધી સાથે રહેલાં ગોવાએ તેના માસ્ટર રતન ટાટાના અંતિમ દર્શન કર્યા હતા. લાંબા સમય સુધી વીલું મોં કરી બેઠેલાં ગોવાને જોઇ એમ જ લાગે કે તેને પડેલી ખોટ કદી પુરાવાની નથી.રતન ટાટાને આવી જ રીતે એકવાર સાયન હોસ્પિટલ પાસે એક ત્યજી દેવાયેલો ઘાયલ શ્વાન મળી આવતાં તેમણે સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું કે આ શ્વાન તેમની દેખરેખ હેઠળ છે અને તેને  થયેલાં ઘાની સારવાર કરાઇ રહી છે. તેમણે શ્વાનના પાલકને કરેલી અપીલ ઘણાં શ્વાનપ્રેમીઓના દિલને સ્પર્શી ગઇ હતી. શેરીઓમાં રખડતાં શ્વાનોએ તેમનો એક મોટો આશ્રયદાતા રતન ટાટાના સ્વરૂપમાં ગુમાવ્યો છે. 

શાંતનુ નાયડુ સાથેનો પરિચય પણ શ્વાનપ્રેમને લીધે જ 

 રતન ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરતોં શાંતનું નાયડુનો પરિચય પણ રતન ટાટાને શ્વાન પ્રેમી તરીકે પૂણેમાં થયો હતો. નાયડુના પરિવારની પાંચ પેઢીએ ટાટા કંપનીમાં નોકરી કરી છે. ૨૮ વર્ષનો નાયડુ આજે  બોમ્બે હાઉસમાંથી તેની મોટરસાયકલ પર સવાર થઇ તેના બોસ રતન ટાટાને અંજલિ આપવા એનસીપીએ પહોંચ્યો હતો. નાયડુ સાથેની રતન ટાટાની અનેક તસવીરો છે. 

ભારતની સૌથી મોટી પ્રાણી હોસ્પિટલ બનાવી

 રતન ટાટાએ મુંબઈમાં ભારતની સૌથી મોટી પ્રાણી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલ પાંચ માળમાં વિસ્તરેલી છે. બ્રિટિશ વેટરનરી ડોક્ટરના વડપણ હેઠળની આ હોસ્પિટલમાં પ્રાણીઓ માટે ઓપરેશન થિયેટર સહિતની ઈમરજન્સી સારવારની સગવડો છે. તેમાં એકસાથે ૨૦૦ પ્રાણીઓને સારવાર આપી શકાય છે. ૯૮૦૦૦ ચોરસફૂટમાં  પથરાયેલી આ હોસ્પિટલ હજુ ગત જુલાઈ માસમાં જ  ખુલ્લી મૂકાઈ હતી. એ અર્થમાં રતન ટાટાનો કદાચ આ સૌથી છેલ્લો પ્રોજેક્ટ બની હતી. 


Google NewsGoogle News