માત્ર બે શો રૂમ ધરાવતી કંપનીનો રૂ.12 કરોડનો આઇપીઓ 400 ગણો ભરાયો
- રિસોર્સફુલ ઓટોમોબાઇલ કંપની પાસે બાઇકના બે શોમ અને 8 કર્મચારી
- રોકાણ કરવા માટે રોકાણકારોએ પડાપડી કરતાં રૂ. 4800 કરોડનું ભરણું ભરાયું : મોટા કૌભાંડની શક્યતા નકારી શકાય નહીં
- શેરનું ઉંચુ લિસ્ટિંગ કરાવીને પ્રમોટરો રોકડી કરવા પોતાના શેર વેચીને તોતિંગ કમાણી કરી લેશે એવી ચાલી રહેલી ચર્ચા
- કંપનીએ 117 રૂપિયા પ્રતિ શેરના ભાવે 10.2 લાખ શેરો ઓફર કર્યા હતા : હવે કંપનીના શેરના લિસ્ટિંગ પર સૌની નજર
મુંબઈ : દિલ્હીની કંપની રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સનો ૧૨ કરોડ રૂપિયાનો આઈપીઓ ૪૦૦ ગણો ભરાતાં શેરબજારમાં આશ્ચર્ય ફેલાયું છે. દિલ્હીમાં યામાહા બાઈકના માત્ર બે શોરૂમ અને ૮ કર્મચારી ધરાવતી રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સના આઈપીઓમાં રોકાણ કરવા માટે રોકાણકારોએ પડાપડી કરી મૂકતાં ૪૮૦૦ કરોડ રૂપિયાનું ભરણું થઈ ગયું છે. રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સ લિમિટેડ દ્વારા રોકાણકારોને બુધવારે એલોટમેન્ટ પણ કરી દેવાયું છે.
એકદમ સામાન્ય કંપનીના આઈપીઓમાં રોકાણ કરવા થયેલી પડાપડી પાછળ કોઈ કૌભાંડ તો નથી ને એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. શેરબજારનાં વર્તુળોમાં એવી ચર્ચા છે કે, કંપનીના પ્રમોટરોએ ઉંચા ભાવે લિસ્ટિંગ કરાવીને કમાણી કરવા માટે આઈપીઓને 'ચલાવ્યો' છે અને લિસ્ટિંગ પહેલાં હવા જમાવી દીધી છે. ઉંચુ લિસ્ટિંગ થાય તો પ્રમોટરો રોકડી કરવા પોતાના શેર વેચીને તોતિંગ કમાણી કરી લેશે એવી ચર્ચા ચાલી રહી છે.
કંપનીએ ૧૧૭ રૂપિયા પ્રતિ શેરના ભાવે ૧૦.૨ લાખ શેરો ઓફર કર્યા હતા. કંપનીનો આઈપીઓ ૨૨ ઓગસ્ટ ને ગુરૂવારે ખૂલ્યો ત્યારે આઈપીઓને આવો જોરદાર પ્રતિસાદ મળશે એવી કોઈને કલ્પના પણ નહોતી. આઈપીઓ ૨૬ ઓગસ્ટ ને શુક્રવારે બંધ થયો ત્યાં સુધીમાં ૩૯૮ ગણો ભરાઈ ગયો હતો. રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈઝ (એસએમઈ) સેક્ટરની કંપની છે. સામાન્ય રીતે એસએમઈ સેક્ટરની કંપનીનો પબ્લિક ઈસ્યૂ ૧૦ ગણો ભરાઈ જતો હોય છે પણ રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સના આઈપીઓએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સના આઈપીઓમાં સૌથી વધારે રસ રીટેઈલ ઈન્વેસ્ટર્સે બતાવ્યો છે. રીટેઈલ ઈન્વેસ્ટમેન્ટ સેગમેન્ટમાં આઈપીઓ ૫૦૦ ગણો ભરાયો છે અને લગભગ ૨૪ કરોડ શેર માટે રોકાણકારોએ અરજી કરી છે. હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર્સના સેગ્મેન્ટમાં પણ શેર ૧૫૦ ગણો ભરાયો છે જ્યારે ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ સેગમેન્ટમાં ૧૨ ગણો ભરાયો છે.
મુંબઈની સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટ રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સના આઈપીઓની મર્ચન્ટ બેંકર છે. સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટે રીસોર્સફુલ ઓટોમોબાઈલ્સના આઈપીઓના માર્કેટિંગ માટે કોઈ વિશેષ સ્કીમ નહોતી મૂકી બીજું કશું કર્યું નહોતું છતાં આઈપીઓને આવો જોરદાર પ્રતિસાદ મળ્યો તેનાથી મર્ચન્ટ બેંકર પણ આશ્ચર્યમાં છે. આઈપીઓને આવો જોરદાર પ્રતિસાદ કેમ મળ્યો એ વિશે તેમની પાસે પણ કોઈ તાર્કિક કારણ કે ખુલાસો નથી.