Get The App

ખાનગી અને સરકારી બેન્કની બહારથી ધિરાણ લેવાનું વધી રહેલું જોખમી વલણ

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
ખાનગી અને સરકારી બેન્કની બહારથી ધિરાણ લેવાનું વધી રહેલું જોખમી વલણ 1 - image


- નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા ગેરન્ટી વિના અપાતા ધિરાણના વધી રહેલા ચલણથી રિઝર્વ બેન્ક ચિંતિત 

અમદાવાદ : બેન્કમાં શાખ ન ધરાવનાર એટલે કે નબળો સિબિલ સ્કોર ધરાવનારાઓ નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા ગેરન્ટી વિના ૩૬ ટકા સુધીના વ્યાજદરે આપવામાં આવી રહેલા ધિરાણના જોખમી  હદે વધી રહેલા ટ્રેન્ડને કારણે રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો થઈ ગયો છે.  પરિણામે આ પ્રકારના ધિરાણને પ્રોત્સાહન આપવું કે ન આપવું જોઈએ તે અંગેના જનસામાન્યના અભિપ્રાય મંગાવવાની સાથોસાથ તે અંગેના નવા ચુસ્ત નિયમનો મુસદ્દો પણ વહેતા કરી દીધો છે. 

સામાન્ય રીતે બેન્કોમાં ધિરાણ મેળવવા માટે સંગીન સિબિલ સ્કોર હોવો જરૂરી છે. આ સિબિલ સ્કોર ૩૦૦થી ૯૦૦ની રેન્જમાં હોય છે. ૯૦૦નો સિબિસ ક્રેડિટ સ્કોર બેસ્ટ ગણાય છે. સિબિલનો ક્રેડિટ સ્કોર ૭૫૦નો હોય તો તેને પણ સારો ગણવામાં આવે છે. આ ક્રેડિટ સ્કોરને જોઈને બેન્કો અને ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન્સ નક્કી કરે છે કે તમે ધિરાણ મેળવવાનો પાત્ર છો કે નહિ. બેન્કો પાસેથી લોન લીધા પછી સમયસર ન ભરી શકેલી કંપનીઓ કે પછી વ્યક્તિગત બોરોઅર્સ ખાનગી રિાણ આપનારાઓ તરફ વળી રહ્યા છે. આ ધિરાણ કે લોન આપવાની સિસ્ટમને આજકાલ ક્રાઉડ લેન્ડિંગ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આજકાલ તેને પિઅર-ટુ-પિઅર લેન્ડિંગ તરીકે પણ ઓળખાવવામાં આવી રહ્યું છે.

પિઅર-ટુ-પિઅર લેન્ડિંગ એ ઓનલાઈન લેન્ડિંગ પ્લેટફોર્મ છે. તેમાં ધિરાણ આપનાર લોન અને તેના પરના વ્યાજના દર દર્શાવે છે. આ પ્રકારની ઓફર કરનારી અનેક સંસ્થાઓ સક્રિય છે. તેમની વચ્ચે ધિરાણનો બિઝનેસ મેળવવા માટે સ્પર્ધા ચાલે છે. તેઓ તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પર આવનાર દરેક કસ્ટમર્સને લોન ઓફર કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર જુદાં જુદાં વ્યાજદરે લોન આપવાની મળતી ઓફરમાંથી બોરોઅર્સ તેને માટેની બેસ્ટ ઓફરને સ્વીકારીને આગળ વધી શકે છે. બોરોઅરને જે ઓછામાં ઓછો વ્યાજદર લાગે તે વ્યાજદરે તે લોન લઈ શકે છે. આમ નબળા ક્રેડિટ સ્કોર કે અન્ય કોઈ કારણોસર બેન્કો પાસેથી ધિરાણ ન મેળવી શકનારાઓ માટે નાણાં મેળવવાનો આ એક સરળ ઉપાય છે. નાના ઉદ્યોગો અને બેન્કો પાસેથી લોન ન મેળવી શકનારા વ્યક્તિગત બોરોઅર્સ તેનો ખાસ્સો લાભ ઊઠાવી રહ્યા છે. સિબિલ સ્કોર નબળો હોય તે પણ આ વ્યવસ્થાનો લાભ લઈ શકે છે. ધિરાણ આપનારને પણ તેના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાંથી ધિરાણ લેનારાઓ કે લોન લેનારાઓની સંખ્યામાં વધારો થવાની એડવાન્ટેજ મળી રહ્ય છે. જોકે તેને પરિણામે ડિફોલ્ટ થવાની શક્યતા પણ વધારે છે. 

પિઅર ટુ પિઅર લેન્ડિંગ સિસ્ટમમાં કોઈપણ જાતની ગેરન્ટી વિના જ ધિરાણ આપનારાઓ લોન લેનારાઓને ધિરાણ આપે છે. ધિરાણ આપનારને થતી વ્યાજની આવક પણ તેમણે ઇન્કમટેક્સ ચૂકવવો પડે છે. લાંબા ગાળાની પર્સનલ લોન આપવામાં આવે છે. મોર્ગેજ લોન પણ આપવામાં આવે છે. ઓટો લોન, હોમલોન અને બિઝનેસ લોન આપવામાં આવે છે. આ લોનની પુન:ચૂકવણીનો આધાર લોન લેનારની પુન:ચૂકવણીની ક્ષમતા પર નિર્ભર છે.

પિઅર ટુ પિઅર લેન્ડિંગમાં લોનની પુન: ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો તે ડિફોલ્ટરને ૩૦ દિવસે ચેતવણી આપવામાં આવે છે. ત્યારબાદ પણ લોનની રકમ તે ન ચૂકવે તો તેવા સંજોગોમાં તેને કાયદેસરની નોટિસ મોકલવામાં આવે છે. છેવટે સિક્યોરીટી અધિકારીઓ તેમના ઘરે પહોંચી જાય છે. તેની સામે લીગલ એક્શન એટલે કે કાનૂની પગલાં લેવા ઉપરાંત રિકવરી કરવાનું કામ કરનાર એજન્સીઓને આ જવાબાદારી સોંપવામાં આવે છે. લોનની રકમ નોન પરફોમગ એસેટ્સ બની જાય ત્યારે ક્રેડિટ એજન્સીને તેની જાણકારી આપી દેવામાં આવે છે. ક્રેડિટ બ્યુરોને તેની જાણકારી આપી દેવામાં આવે છે. કલેક્શન એજન્સી લોન લેનારના સતત સંપર્કમાં રહીને તેની પાસેથી લોનના નાણાં વ્યાજ અને પેનલ્ટી સહિત રિકવર કરવાના પ્રયાસો ચાલુ રાખે છે. તેની સાથે જ લોન લેનાર વ્યક્તિને તેઓ કેવા પ્રકારના પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે તેની જાણકારી પણ આપતા રહેશે.

રિઝર્વ બૅન્ક કડક થતાં ભંડોળમાં 35 ટકાનું ગાબડું પડયું

પિઅર ટુ પિઅર લેન્ડિંગ એજન્સીઓને લોન જૂની શાહુકારશાહી પદ્ધતિ તરફ ફંટાઈ રહી હોવાનું જણાતા રિઝર્વ બેન્ક સફાળી જાગી છે. પિઅર ટુ પિઅર ફાઈનાન્સ કરનારી કંપનીઓને લોન લેવા માટે લોકોને આકર્ષવા માટેની ઘણી જોગવાઈઓ પડતી મૂકવાની ફરજ રિઝર્વ બેન્કે પાડવા માંડી છે. પરિણામે ધિરાણ આપનારી એજન્સીઓ તકલીફમાં મૂકાઈ ગઈ છે. તેમના અસ્તિત્વ સામે સવાલ ઊભો થઈ રહ્યો છે. પિઅર ટુ પિઅર ફાઈનાન્સ પર રિઝર્વ બેન્કે બ્રેક લગાવી છે. પિઅર ટુ પિઅર ફાઈનાન્સ કરનારાઓ પાસે રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધારેનું બંડોળ છે. રિઝર્વ બેન્કે તેના પર બ્રેક લગાવી તે પછી તેના ભંડોળમાં રૂ.૩૫૦૦ કરોડનો ઘટાડો થઈ ગયો છે. તેમાં રોકેલા નાણાં ઉપાડવા કોઈ આવે તો તેના નાણાંનું સેટલમેન્ટ એક જ દિવસમાં કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. હવે પી ટુ પી લેન્ડિંગ સિસ્ટમ તૂટી પડવાની દિશામાં આગળ વધવા માંડી છે. જોકે એક રીતે આ સિસ્ટમ તૂટી પડે તે જ જરૂરી છે. તેનાથી જૂની શાહુકારની સિસ્ટમ પાછી આવવાની સંભાવના વધી રહી છે. 


Google NewsGoogle News