ફેડરલના વ્યાજદર ઘટાડાનો ઉન્માદ શેરબજારમાં અલ્પજીવી પુરવાર થયો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ફેડરલના વ્યાજદર ઘટાડાનો ઉન્માદ શેરબજારમાં અલ્પજીવી પુરવાર થયો 1 - image


- ડાઉજોન્સમાં 466 પોઇન્ટનો ઉછાળો : સેન્સેક્સ નિફ્ટીનો પ્રારંભિક ઉછાળો ભૂંસાયો છતાં અંતે મક્કમ

અમદાવાદ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષા મુજબ ૪ વર્ષ બાદ વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરાયાના અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક તબક્કામાં ઝડપી ઉછાળો નોંધાયા બાદ પાછળથી નફારૂપી વેચવાલીના દબાણે મોટા ભાગનો ઉછાળો ધોવાઈ ગયો હતો. જો કે, કામકાજના અંતે બંને આગેવાન ઇન્ડેક્સ મક્કમ રહ્યા હતા. 

ફેડરલના વ્યાજદરમાં ઘટાડાના અહેવાલો પાછળ આજે ફંડો, એચએનઆઇ તેમજ ખેલાડીઓ દ્વારા મોટા પાયે નવી લેવાલી હાથ નીકળતા કામકાજના પ્રારંભિક તબક્કામાં જ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૮૨૫ પોઇન્ટ અને નિફ્ટી ૨૩૪ પોઇન્ટ ઉછળીને નવી ટોચે પહોંચ્યા હતા. 

જો કે, પાછળથી નફારૂપી વેચવાલીના દબાણે આઇ.ટી., કેપિટલ ગુડ્ઝ, ઓઇલ શેરો તેમજ સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં મોટા પાયે વેચવાલીનું દબાણ આવતા બજારમાં પ્રારંભિક તબક્કામાં નોંધાયેલ સુધારો ભૂંસાઈ ગયો હતો. જો કે, આમ છતાં ય કામકાજના અંતે સેન્સેક્સ ૨૩૬.૫૭ પોઇન્ટ વધીને ૮૩,૧૮૪.૪૦ તથા નિફ્ટી ૩૮.૨૫ પોઇન્ટ વધીને ૨૫,૪૧૫.૮૦ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

દરમિયાન વ્યાજદરમાં ઘટાડા બાદ આજે અમેરિકન શેરબજાર  ખાતે ચોમેરથી હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સમાં ૪૬૬ પોઇન્ટ ઉછળીને ૪૧૯૬૯ની સપાટીએ કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક ઇન્ડેક્સ ૪૮૦ પોઇન્ટ વધીને ૧૮૦૫૪ની સપાટીએ કાર્યરત હતો.


Google NewsGoogle News