અમેરિકન સિક્યુરિટી કમિશન દ્વારા ટાસ્ક ફોર્સની રચનાથી ક્રિપ્ટો માર્કેટ ઉંચકાયું
- ડિજિટલ એસેટસ માટે નિયમનકારી માળખું તૈયાર કરવાની પહેલથી સેન્ટિમેન્ટમાં સુધારો
મુંબઈ : ડિજિટલ એસેટસ માટે નિયમનકારી માળખુ તૈયાર કરવા ખાસ ટાસ્ક ફોર્સની રચના કરાઈ હોવાની અમેરિકાની સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશને કરેલી જાહેરાત બાદ ક્રિપ્ટોકરન્સીસ માર્કટમાં ખેલાડીઓનું માનસ સુધર્યું હતું અને બિટકોઈનની આગેવાની હેઠળ અન્ય ક્રિપ્ટોસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ટ્રમ્પના પરિવારની માલિકીની ક્રિપ્ટોસમાં પણ સુધારાની ચાલ જોવાઈ હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર હેઠળ ક્રિપ્ટો પોલિસી તરફ આ એક મોટુ પગલું માનવામાં આવે છે. ચૂંટણીમાં વિજય બાદ ટ્રમ્પે કમિશનના ચેરમેનપદે નવી નિમણૂંક કરી હતી.
કમિશનના નવા અધ્યક્ષ માર્ક યુએડાની ઓફિસ તરફથી આવી પડેલા નિવેદનમાં જણાવાયું હતું કે સદર ટાસ્ક ફોર્સે નિયમનકારી માળખા તૈયાર કરવામાં મદદ કરશે.
ટ્રમ્પ પણ આવનારા દિવસોમાં ક્રિપ્ટો માર્કેટ માટે એક્ઝિકયૂટિવ ઓર્ડર બહાર પાડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન ઉપરમાં ૧,૦૭,૨૪૬ ડોલર અને નીચામાં ૧,૦૨,૮૧૩ ડોલર થઈ મોડી સાંજે ૧૦૫૩૭૧ ડોલર કવોટ થતો હતો. ટ્રમ્પ પરિવારની માલિકીની ક્રિપ્ટોસ મેલનિયાનો ભાવ નીચામાં ૩.૭૨ ડોલર અને ઉપરમાં ૪.૯૯ ડોલર થઈ મોડી સાંજે ૪.૦૨ ડોલર મુકાતો હતો. ટ્રમ્પનો ભાવ ઉપરમાં ૪૮.૨૮ ડોલર અને નીચામાં ૩૫.૫૩ ડોલર થઈ મોડી સાંજે ૪૨.૦૨ ડોલર મુકાતો હતો.