ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં મુશ્કેલી સર્જાઈ, માણસોની અછત સર્જાતા અનેક ધંધા-રોજગારમાં મંદી!
- 17 ડોલરના બદલે માત્ર 10 ડોલરમાં કામ કરતાં
- ગેરકાયદે કારીગર સસ્તો પડતો હોવાથી ભારતીય હોટલ માલિકોની મુશ્કેલીઓ વધી
- એક તરફ માણસો મળતા નથી બીજી તરફ ગેરકાયદેસર વસાહતીઓ પકડાઈ જવાના ડરે ભૂગર્ભમાં
- અમેરિકાની રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસરોને નોકરી ન આપવાની કડક ચેતવણી
US Deportation News | અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વસાહતીઓ ઓછા પૈસે કામ કરતાં હોવાથી ત્યાંના સ્થાનિક કાયદેસર ભારતીયોને ઘણો ફાયદો હતો જે હવે ગેરફાયદામાં પરિણમ્યો છે. આખા અમેરિકાના મોટા ભાગના શહેરોમાં હોટલો, રેસ્ટોરન્ટ અને સ્ટોર્સમાં ગેરકાયદેસર વસાહતીઓને લીધી ગુજરાતી માલિકોને એ રીતે જલસા હતા કારણ કે ગેરકાયદેસર વસાહતીઓ ૧૭ ડોલરથી ૨૦ ડોલર પ્રતિ કલાકના બદલે ફક્ત 10 ડોલર પ્રતિ કલાકનો ભાવ આપતા હતા.
ટ્રમ્પ સરકારના આવવા સાથે જે રીતે અમેરિકામાં ઠેર ઠેર ગેરકાયદેસર વસાહતીઓનું ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે અને અટકાયતો થઈ રહી છે તે જોતાં મોટા ભાગના ગેરકાયદેસર વસાહતીઓ નોકરીએ જવાનું ટાળી રહ્યા છે. પરિણામે મોટા ભાગના શહેરોની રેસ્ટોરન્ટ, હોટલ, સ્ટોર્સમાં હવે કાયદેસર રીતે મળતા વર્કર્સને પૂરેપૂરું મહેનતાણું આપવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને અહીં વસતાં ભારતીય નાગરિકો ગેરકાયદેસર વસાહતીઓને રાખીને 17 થી 20 ડોલરનું કામ 10 ડોલરમાં કરાવતા હતા જે હવે કાયદેસર ડોક્યુમેન્ટવાળા વર્કર્સને પૂરા પૈસા આપવાનો વારો આવ્યો છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ આ રીતે રહેવા ટેવાયેલા હતાં જે અત્યારે ચિંતિત છે.
શિકાગોની એક રેસ્ટોરન્ટ ચલાવતા માલિકે જણાવ્યું હતું કે અત્યારે અમને વર્કર્સ મળતા નથી. આનું મુખ્ય કારણ ગેરકાયદેસર વસાહતીઓ મોટી સંખ્યામા મળતા હતા. તેમની પાસે ડોક્યુમેન્ટ ન હોવાથી ઓછા પૈસામાં કામ કરતાં. તેની સામે તેમને પણ ફાયદો રહેતો અને અમને પણ ફાયદો રહેતો. વિદ્યાર્થીઓ કામના કલાકો પણ કાયદેસરના થઈ જતાં વિદ્યાર્થીઓ પણ નિયમ ઓળંગતા ડરે છે. બધાને એક જ વાતની ચિંતા છે કે આગળ શું થશે.
એક તરફ ગેરકાયદેસર વસાહતીઓ કારણે અનેક હોટલ, મોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટોર્સના માલિકોને ફાયદો હતો પરંતુ હવે માણસો નથી મળતા. મળે છે તો મોંઘા પડે છે. હાલ તો સમગ્ર અમેરિકાના સ્ટોર માલિકો, રેસ્ટોરન્ટના માલિકો જો ગેરકાયદેસર વ્યક્તિને કે ડોક્યુમેન્ટ્સ વગરના વ્યક્તિને આશરો કે નોકરી આપે તો પહેલા તેમની સામે જ પગલાં લેવાય છે. જેના કારણે બંને તરફ ભયનું વાતાવરણ છે. આવી જ પરિસ્થિતિ રહેશે તો અહીંના લેબર માર્કેટમાં એક મોટું પરિવર્તન આવશે એવું લાગ છે. હાલમાં સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. ગેરકાયદેસર રીતે રહેતા વર્કર્સનો ફાયદો ભારતીયો સહિત અમેરિકન માલિકો પણ લેતા હતા. અત્યારે ભારતીય માલિકોની સ્ટોર્સ, રેસ્ટોરન્ટસ્ વિશેષ રીતે શંકાના રડાર પર છે. સરકાર ખાસ કરીને રેસ્ટોરન્ટ્સને વધુ ટાર્ગેટ કરી રહી છે કારણ કે ગેરકાયદેસર માઈગ્રેન્ટ્સ વધુ રેસ્ટોરન્ટ્સમાં કામ કરતાં જોવા મળે છે.