ઊંચા મૂલ્યાંકનોને પગલે દેશના GDPથી ઈક્વિટી Mcapનું પ્રમાણ નોંધપાત્ર ઊંચુ
- સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે રૂપિયા ૩૦૭.૯૦ લાખ કરોડના જીડીપી સામે માર્કેટ કેપ રૂપિયા ૪૭૪.૪૦ લાખ કરોડ
મુંબઈ : છેલ્લા એક મહિનામાં ભારતીય શેરબજારમાં વ્યાપક કરેકશન છતાં દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)થી માર્કેટ કેપનું પ્રમાણ ઊંચુ જોવા મળી રહ્યું છે. દસ વર્ષની ૯૪ ટકાની સરેરાશ સામે જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ હાલમાં ૧૪૮ ટકા જેટલું જોવા મળી રહ્યું છે, જે અત્યારસુધીના રેશિઓમાં ત્રીજો સૌથી મોટો રેશિઓ છે.
વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના અંતમાં જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ ૧૫૪ ટકા સાથે અત્યારસુધીનું ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું. ડીસેમ્બર ૨૦૦૭ તથા વર્તમાન વર્ષના સપ્ટેમ્બર બાદ હાલનું પ્રમાણ ત્રીજું મોટું છે એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં બીએસઈમાં લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૪૭૪.૪૦ ટ્રિલિયન જેટલી ઊંચી જોવા મળી હતી જ્યારે દેશનો જીડીપી આંક સપ્ટેમ્બરના અંતે રૂપિયા ૩૦૭.૯૦ ટ્રિલિયન રહ્યો હતો.
બીએસઈમાં લિસ્ટેડ શેરોનું સંયુકત માર્કેટ કેપ હાલમાં રૂપિયા ૪૫૩.૫૦ ટ્રિલિયનથી વધુ જોવા મળી રહી છે. જૂન ૨૦૨૩ ત્રિમાસિકથી સતત સાત ત્રિમાસિકમાં દેશની માર્કેટ કેપ જીડીપી કરતા ઝડપથી વધી છે.
મોટા અર્થતંત્રોમાં જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ ઊંચુ જોવા મળી રહ્યું છે. ભારતીય બજારોમા ઈક્વિટીસના ઊંચા મૂલ્યાંકનોને પરિણામે માર્કેટ કેપ સતત ઊંચી જોવા મળી રહી છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.