સતત બીજા મહિને દેશની નિકાસ એક ટકા ઘટી 38.01 અબજ ડોલર
- ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે ત્યારે
નવી દિલ્હી : અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ ગબડી રહ્યો છે ત્યારે ડિસેમ્બર મહિનામાં ભારતની નિકાસ પણ વાર્ષિક ધોરણે ઘટી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સતત બીજા મહિને ભારતની નિકાસ ઘટેલી નોંધાઈ છે. ડિસેમ્બર ૨૦૨૪માં ભારતની નિકાસ ૩૮.૦૧ અબજ ડોલર રહી છે જે ૨૦૨૩ની સરખામણીએ એક ટકો ઘટી છે. નવેમ્બર મહિનામાં નિકાસ ૪.૮૫ ટકા ઘટી હતી. ડિસેમ્બર આયાત પાંચ ટકા વધી ૫૯.૯૫ અબજ ડોલર ડોલર નોંધાઈ છે. ડિસેમ્બર મહિનામાં વ્યાપાર ખાધ (આયાત સામે નિકાસ) ૨૧.૯૪ અબજ ડોલર રહી છે.
એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં ભારતની નિકાસ માત્ર ૧.૬ ટકા વધી ૩૨૧.૭૧ અબજ ડોલર અને આયાત ૫.૧૫ ટકા વધી ૫૩૨.૪૮ અબજ ડોલર રહી છે. આમ, નવ મહિના માટે ખાધ ૨૧૦.૭૭ અબજ ડોલર રહી છે જે આગલા વર્ષે માત્ર ૧૮૯.૭૪ અબજ ડોલર હતી. ડિસેમ્બર મહિનામાં પેટ્રોલીયમ પેદાશોની નિકાસ ૨૮.૬૨ ટકા ઘટી ૪.૯૧ અબજ ડોલર રહી છે જ્યારે નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં નિકાસ ૨૦.૮૪ ટકા ઘટી છે. આ ઉપરાંત, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ જેવી ચીજોની નિકાસ પણ આ મહિનામાં ઘટેલી જોવા મળી છે. જોકે, ટેક્સટાઈલ્સ, ઇલેક્ટ્રોનીક્સ, ચોખા જેવી ચીજોની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. વાણિજ્ય સચિવ સુનીલ ભરથવાલે જણાવ્યું હતું કે અન્ય દેશોની સરખામણીએ ભારતની નિકાસ વધારે મજબૂત જોવા મળી રહી છે. પેટ્રોલીયમ પેદાશો સિવાયની નિકાસમાં સ્થિતિ ઘણી વધારે સારી હોવાની એમણે વાત કરી હતી. વૈશ્વિક પરિબળોના કારણે ભારતીય નિકાસ ઉપર સંકટના વાદળો ઘેરાયેલા છે ત્યારે વાણિજ્ય મંત્રાલયે મિશન ૨૦ નામનો કાર્યક્રમ ચાલુ કરી નિકાસ ઉપર જોર મુકવા અભિયાન શરૂ કર્યું છે. આ ૨૦ દેશો ભારતની કુલ નિકાસમાં ૬૦ ટકા હિસ્સો ધરાવે છે.
બીજી તરફ, સોમવારે ડોલર સામે રૂપિયો ૮૬.૭૦ની સર્વકાલીન નીચી સપાટીએ પટકાયો હતો. ભારતીય ચલણના મૂલ્યમાં ઘટાડો થાય તેનાથી નિકાસકારોને ફાયદો થાય છે ત્યારે આયાત મોંઘી પડે છે. ભારતમાં આયાત કરતા નિકાસ ઓછી હોવાથી એકંદરે અર્થતંત્ર માટે પડકાર ઉભો થાય છે. ડિસેમ્બર ૨૦૨૩ સામે ડિસેમ્બર ૨૦૨૪માં ડોલર સામે રૂપિયો ૨.૩૪ ટકા ઘટયો છે જ્યારે ચીનના યુઆન સામે તેમાં ૦.૦૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીએટીવ (જીટીઆરઆઈ)નામની સંસ્થાએ તાજેતરમાં બહાર પડેલા અહેવાલ અનુસાર ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતની આયાત ૧૫ અબજ ડોલર વધી જશે. આ ઉપરાંત, ચીન પાસેથી ભારત વર્ષે ૧૦૦ અબજ ડોલરના મૂલ્યની ઔદ્યોગિક ચીજોની આયાત કરે છે. યુઆન સામે રૂપિયો નરમ પડતા તેની પણ અસર પડશે.