ઓક્ટોબર માસના અંત સુધીમાં દેશની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ નવી ટોચે પહોંચી
- ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ૧૯.૧ બિલિયન ડોલરની નિકાસ નોંધાઈ
નવી દિલ્હી : આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં દેશની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ નવી ટોચે પહોંચી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષના સાત મહિનામાં ૧૯.૧ બિલિયન ડોલરની નિકાસ નોંધાઈ છે. સરકારી ડેટા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં આ ૨૪ ટકા વધુ છે, ગયા નાણાકીય વર્ષના એપ્રિલથી આક્ટોબર સુધીમાં દેશની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ૧૫.૪ બિલિયન ડોલર હતી.
સ્માર્ટફોન પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા નિકાસમાં વધારાને કારણે ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં તેજી આવી છે. ઓક્ટોબરમાં ઈલેક્ટ્રોનિક્સની નિકાસ ૩.૪ બિલિયન ડોલર થઈ હતી, જે ગયા વર્ષના આક્ટોબરની સરખામણીમાં ૪૫ ટકાનો વધારો છે, જ્યારે સેક્ટરે ૨.૪ બિલિયન ડોલરની નિકાસ કરી હતી.
આ વર્ષે આક્ટોબર સુધી, લગભગ ૫૫ ટકા ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ફક્ત સ્માર્ટફોનની નિકાસમાંથી જ આવી હતી. આમાં આઇફોન બનાવતી કંપની એપલનો મોટો ફાળો હતો. ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં, સ્માર્ટફોનની કુલ નિકાસમાં ભારતમાંથી આઈફોનનો નિકાસનો હિસ્સો ૬૬ ટકા હતો અને બાકીનો હિસ્સો અન્ય પ્રોડક્ટસનો હતો.
ગયા વર્ષે આક્ટોબરમાં, એન્જિનિયરિંગ ગુડ્સ, પેટ્રોલિયમ ઉત્પાદનો, જેમ્સ અને જ્વેલરી, ઓર્ગેનિક અને અકાર્બનિક રસાયણો પછી નિકાસમાં ઇલેક્ટ્રોનિક્સ છઠ્ઠા સ્થાને હતું. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો. ઇલેક્ટ્રોનિક્સ ઉપર એન્જિનિયરિંગ ગુડ્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનો છે.
વાણિજ્ય વિભાગના ડેટા અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ ભારતની ટોચની પાંચ નિકાસમાં માત્ર દર મહિને જ નહીં પરંતુ છેલ્લા ૭ મહિનામાં સંચિત રીતે પણ સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી નિકાસ છે. તે માત્ર ભારતની ટોચની પાંચ નિકાસમાં તેની હાજરી વધારી રહ્યું છે એટલું જ નહીં પણ બીજા સ્થાને રહેલા ઈલેક્ટ્રોનિક્સ માલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ વચ્ચેના અંતરને પણ ઘટાડી રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ નિકાસ પેટ્રોલિયમ નિકાસના ત્રીજા ભાગ કરતાં પણ ઓછી હતી, જે પ્રથમ સાત મહિનામાં ૪૭ બિલિયન ડોલર રહી હતી.