બોમ્બની એક ધમકીની કિંમત ત્રણ કરોડ રૂપિયા! એરલાઇન્સ કંપનીને થાય છે મોટું નુકસાન
Image: Freepik
Airline Company: થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાના બોઈંગ 777 વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ વિમાને મુંબઈથી ન્યૂયોર્કના જેએફકે (જોન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ) માટે ઉડાન ભરી હતી. બોમ્બની ધમકી મળ્યા બાદ વિમાનનું દિલ્હી એરપોર્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ હતુ. સોમવારે એટલે કે 14 ઓક્ટોબરે મુંબઈથી ઉડાન ભરનાર આ વિમાનમાં લગભગ 130 ટન જેટ ઈંધણ ભરેલુ હતુ. આ વિમાન 16 કલાક રોકાયા વિના મુસાફરી કરવાનું હતુ. ઉડાન ભરવાના તાત્કાલિક બાદ એરલાઈનને એક કોલ આવ્યો કે વિમાનમાં બોમ્બ છે. કોલ આવ્યા બાદ જેએફકે જતી એઆઈ119 ને તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવી અને ઉડાન ભરવાના બે કલાકની અંદર દિલ્હી એરપોર્ટમાં ઉતારવામાં આવ્યુ. જોકે તપાસ દરમિયાન વિમાનમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યુ નહીં અને આ કોલ નકલી સાબિત થયો. આ નકલી કોલના કારણે વિમાન કંપનીને કરોડોનું નુકસાન થયુ હશે.
નકલી કોલથી થાય છે ભારે નુકસાન
એક વરિષ્ઠ પાયલટે જણાવ્યું કે બી777નું મહત્તમ લેન્ડિંગ વજન 250 ટનની આસપાસ હોય છે પરંતુ ઉડાનના સમયે મુસાફરો, તેમના સામાન અને કાર્ગોની સાથે તેનું વજન લગભગ 340-350 ટન થઈ જાય છે. બે કલાકની અંદર વિમાનનું લેન્ડિંગ કરાવવાનો અર્થ લગભગ 100 ટન ઈંધણને ડમ્પ કરવો. જેથી તેનું વજન લેન્ડિંગના વજન જેટલું થઈ શકે. એક ટન 1 લાખ રૂપિયાની આસપાસ આવે છે જેનો અર્થ 100 ટન ઈંધણનો ખર્ચ 1 કરોડ રૂપિયા બેસે છે.
આ પણ વાંચો: સાત ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ
વિમાન કંપનીએ વધુ ખર્ચ ભોગવવો પડે છે
ઈમરજન્સી લેન્ડિંગ કરવાના કારણે અન્ય ખર્ચ વિમાન કંપનીના ખાતામાં આવી જાય છે. જેમ કે એરપોર્ટ પર અનપેક્ષિત લેન્ડિંગ અને વિમાનની પાર્કિંગનો ચાર્જ સાથે જ મુસાફરો અને ક્રૂ મેમ્બરને હોટલોમાં રોકાવાનો ખર્ચો. આ સિવાય કોઈ મુસાફરની જો કોઈ કનેક્ટિંગ ફ્લાઈટ હોય છે તો તેનું વળતર મુસાફરને આપવું. મુસાફરોના જમવાનો ખર્ચ. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક નકલી ધમકીના કારણે એર કંપનીને 3 કરોડથી વધુ ખર્ચ થઈ જાય છે.
છેલ્લા અમુક દિવસોમાં ભારતીય એરલાઇન્સ કંપનીઓ દ્વારા સંચાલિત લગભગ 40 ફ્લાઈટોને બોમ્બની ધમકીઓ મળી હતી. જોકે બાદમાં આ તમામ ખોટી સાબિત થયુ. એરલાઈનને આ નકલી ધમકીના કારણે લગભગ 60-80 કરોડ રૂપિયા થયો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઈન્સ કંપનીઓને મળી રહેલી બોમ્બની ખોટી ધમકીઓની ઘટનાઓને રોકવા માટે કડક નિયમ લાગુ કરવાનું આયોજન બનાવી રહ્યું છે. જેમાં ગુનેગારોને નો-ફ્લાય યાદીમાં નાખવામાં આવી શકે છે. આ યાદીનો હેતુ ઉપદ્રવી મુસાફરોની ઓળખ કરવાનો અને તેમને વિમાનમાં ચઢવાથી પ્રતિબંધિત કરવાનો છે.