સોના- ચાંદીમાં તેજી ઝડપી આગળ વધી

- ક્રૂડ ત્રણ વર્ષના તળીયેથી ફરી ઉંચકાયું

- અમેરિકામાં ફુગાવો કાબુમાં આવી રહ્યાના નિર્દેશો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
સોના- ચાંદીમાં તેજી ઝડપી આગળ વધી 1 - image


મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર જોકે ભાવમાં બે તરફી ઉછળકૂદ બતાવતા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશદીઠ ૨૫૧૦થી ૨૫૧૧ વાળા ઉંચામાં ૨૫૨૮ થયા પછી ૨૫૦૯થી ૨૫૧૦ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે માગ વધતાં ભાવ ઉંચકાયા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૩૦૦ વધી ૯૯.૫૦ના રૂા. ૭૪૦૦૦  તથા ૯૯.૯૦ના રૂા. ૭૪૨૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂા. ૨૦૦૦ વધી રૂા. ૮૪૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૮.૪૮થી ૨૮.૪૯ વાળા ઉંચામાં ૨૮.૮૭ તથા નીચામાં ૨૮.૩૧ થઇ ૨૮.૫૪થી ૨૮.૫૫  ડોલર રહ્યા હતા.

અમેરિકામાં ફુગાવાના આંકડા બહાર  પડયા હતા તથા ત્યાં ફુગાવાનો વૃદ્ધી દર અપેક્ષાથી ઓછો આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં હવે પછી વ્યાજદરમાં ઘટાડો  ચોક્કસ થશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આથી  અસરે વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ તથા સોનાના ભાવ પર  મિશ્ર જોવા મળી હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૪૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૬૫થી ૯૬૬ વાળા ઉંચામાં ૯૯૨ થઇ ૯૯૦થી ૯૯૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે દોઢ ટકો ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ જે ગબડી ત્રણ વર્ષના તળીયે ઉતરી ગયા હતા તે આજે તળીયેથી બાઉન્સ બેક થતા જોવા મળ્યા હતા.

બ્રેન્ટક્રૂડતેલના ભાવબેરલદીઠ ૭૧.૨૧ વાળા નીચામાં ૬૯.૩૧ થયા પછી ઉંચામાં ભાવ ૭૦.૯૩ થઇ ૭૦.૩૬ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ ૬૭.૯૫ વાળા નીચામાં ૬૫.૯૧ થઇ ઉંચામાં ભાવ ૬૭.૫૮ થઇ ૬૭.૦૨ ડોલર રહ્યા હતા.

મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૭૧૩૦૩ વાળા રૂા. ૭૧૭૦૬ તથા ૯૯.૯૦ના ભાવ રૂા. ૭૧૫૯૦ વાળા રૂા. ૭૧૯૯૪ રહ્યા હતા જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૮૨૨૦૭ વાળા વધી રૂા. ૮૩૪૦૭ રહ્યા હતા. મુંબઇ સોના ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.


bullion

Google NewsGoogle News