Get The App

ભારત-ચીન વચ્ચે અરાજકતામાં 1 લાખ નોકરીઓને ફટકો વાગ્યો, કુલ 2.2 લાખ કરોડનું નુકશાન

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
ભારત-ચીન વચ્ચે અરાજકતામાં 1 લાખ નોકરીઓને ફટકો વાગ્યો, કુલ 2.2 લાખ કરોડનું નુકશાન 1 - image


Image:FreePik

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે જૂન, 2020માં અથડામણ થઈ હતી. આ ઘટનામાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા ત્યારથી જ બંને દેશોના સંબંધોમાં તણાવ પ્રસર્યો છે. ભારત અને ચીન વચ્ચેનો આ તણાવની અર્થવ્યવસ્થા પર પણ મોટાપાયે અસર થઈ છે. અહેવાલ અનુસાર પાડોશી દેશો વચ્ચેના આ તકરારને પગલે દેશની અર્થવ્યવસ્થાને અબજો ડોલરનું નુકશાન થયું છે અને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ રોજગાર ગુમાવ્યો છે.

જાણીને નવાઈ પણ લાગશે અને ચોંકી પણ જશો પરંતુ હા, ભારત-ચીન તણાવને કારણે છેલ્લા 4 વર્ષમાં 1 લાખથી વધુ લોકોની નોકરી પર અસર પડી છે. તે જ સમયે ઉત્પાદનથી નિકાસ સુધીના સ્તરે અર્થતંત્રને 2.2 લાખ કરોડ રૂપિયાનું સંભવિત નુકસાન થયું છે.

ભારત-ચીન તણાવ અંગે ઉદ્યોગ નિષ્ણાતોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે આ ઘટનાક્રમને પગલે દેશના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે ઉત્પાદનમાં 15 બિલિયન ડોલર સુધીનું નુકસાન સહન કરવું પડ્યું છે. તેના કારણે છેલ્લા 4 વર્ષમાં લગભગ 1 લાખ લોકોની રોજગારી ઘટી છે.

ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ ભારત સરકારે ચીનની ઘણી એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મામલો અહીં અટક્યો ન હતો. આ પછી ભારતમાં વેપાર કરતી ચીની કંપનીઓના ટેક્સ ચોરીથી લઈને મની લોન્ડરિંગ સુધીના આરોપોની સઘન તપાસ કરવામાં આવી હતી. ચીની અધિકારીઓના વિઝામાં વિલંબ થવા લાગ્યો અને અંતે આ બધાની અસર દેશના અર્થતંત્ર પર પડી હતી.

ભારત-ચીન તણાવને કારણે 15 અબજ ડોલરના ઉત્પાદનનું નુકસાન થયું હતું. રિપોર્ટ અનુસાર આ અનિશ્ચિત્તાના માહોલે ભારતમાંથી 10 અબજ ડોલરની નિકાસ પણ છીનવી લીધી છે. તે જ સમયે આ તણાવને કારણે 2 અબજ ડોલરનું વેલ્યુ એડિશન પણ થઈ શક્યું નથી. ઘરેલું વેલ્યુ એડિશન હાલ 18 ટકા આસપાસ છે જે ચીનનો સાથ મળતા 22-23 ટકાની વૃદ્ધિ દર્શાવી શકી હોત. આ તમામ અસરોની પગલે એકંદર દેશની અર્થવ્યવસ્થાને 2.2 લાખ કરોડ રૂપિયાનું સંભવિત નુકસાન થયું છે.

5000 વિઝા અરજી પેન્ડિંગ, એક્સટેશન પર પ્રતિબંધ :

ભારત અને ચીન વચ્ચેના તણાવની અસર માત્ર રાજદ્રારી જ નહિ કારોબારી પણ રહી છે. ભારત માત્ર 10 દિવસમાં બિઝનેસ વિઝા ક્લિયર કરવાની સિસ્ટમ બનાવવા પર કામ કરી રહ્યું છે ત્યારે હાલ ચીનના અધિકારીઓની 4000થી 5000 વિઝા અરજીઓ હજુ પેન્ડિંગ છે. તદુપરાંત ભારતમાં બિઝનેસ કરી રહેલ ચીનની ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ તેમના રોકાણને લઈને શંકાસ્પદ છે. આ અસમંજસતા ભારતના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગની વિસ્તરણ યોજનાઓને પણ અસર કરી રહી છે.

આ સંદર્ભે, 'ધ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન' (આઈસીઈએ) અને 'મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (એમએઆઈટી) જેવી સંસ્થાઓએ ભારત સરકારને શક્ય તેટલી વહેલી તકે ચીની અધિકારીઓના વિઝા ક્લિયર કરવા જણાવ્યું છે. આ વિઝા અરજી હાલમાં 1 મહિના કરતા પણ વધુ સમય લે છે.


Google NewsGoogle News