મોદી સરકાર 3.0ના પહેલા જ બજેટમાં ટેક્સપેયર્સને મળશે રાહત? જાણો શું છે પ્લાન
Image: Freepik
Modi Government 3.0: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ જુલાઈમાં રજૂ થવાની શક્યતા છે. તેમાં ટેક્સપેયર્સને ગુડ ન્યૂઝ મળી શકે છે. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ આગામી થોડા દિવસોમાં બજેટ-પૂર્વ બેઠકોનો સિલસિલો શરૂ કરી શકે છે. આ દરમિયાન રિપોર્ટ અનુસાર સરકાર ઈનકમ ટેક્સ રેટમાં ઘટાડા પર વિચાર કરી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે તેનાથી લોકોની પાસે ખર્ચ કરવા યોગ્ય એટલે કે ડિસ્પોઝેબલ ઈનકમ વધશે. આ પ્રકારની ઈનકમ વધવાથી વપરાશ વધશે અને આર્થિક પ્રવૃતિઓમાં વધારો થશે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર વર્તમાન ઈનકમ ટેક્સ સ્ટ્રક્ચરને વ્યાવહારિક બનાવવા પર વિચાર કરી શકે છે. ખાસ કરીને લોઅર ઈનકમ લેવલ પર ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે ડિમાન્ડને રિવાઈવ કરવા માટે વપરાશ વધારવો જરૂરી છે. આ માટે ટેક્સ સ્ટ્રક્ચરને વ્યાવહારિક બનાવવામાં આવશે. તેનાથી લોકોના હાથમાં વધુ ડિસ્પોઝેબલ ઈનકમ આવશે અને વપરાશમાં વધારો થશે, આર્થિક પ્રવૃતિઓમાં વધારો આવશે અને સરકારનું જીએસટી કલેક્શન વધશે. હજુ નવી ટેક્સ સિસ્ટમમાં ત્રણ લાખ રૂપિયાથી વધુ ઈનકમ પર પાંચ ટકા ટેક્સની જોગવાઈ છે. આ રીતે 15 લાખ રૂપિયાથી વધુની ઈનકમ પર 30 ટકા ટેક્સ લાગે છે. આ રીતે ઈનકમના પાંચ ગણા વધવા પર ટેક્સ રેટ છ ગણો વધી જાય છે. એક અધિકારીએ કહ્યું કે ટેક્સમાં છુટથી સરકારને રેવન્યૂનું નુકસાન થશે પરંતુ ડિસ્પોઝેબલ ઈનકમ વધવાથી વપરાશ વધશે અને ડાયરેક્ટ તથા ઈનડાયરેક્ટ રેવન્યૂમાં પણ વધારો થશે. આ રીતે સરકારના રેવન્યૂનું નુકસાન થઈ શકે છે પરંતુ કુલ મળીને આ સરકાર અને ઈકોનોમી માટે લાભદાયી હશે.
નવી કર વ્યવસ્થા
ઈનકમ (રૂપિયામાં) | ટેક્સ રેટ |
0થી ત્રણ લાખ | 0% |
3થી 6 લાખ | 5% |
6થી 9 લાખ | 10% |
9થી 12 લાખ | 15% |
12થી 15 લાખ | 20% |
15થી વધુ લાખ | 30% |
ખાનગી વપરાશ
અધિકારીઓનું કહેવું છે કે કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરવાના બદલે માળખાને સરળતાથી બનાવવાથી વધુ લાભદાયી રહી શકાય છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ જુલાઈના ત્રીજા અઠવાડિયામાં રજૂ કરવામાં આવી શકે છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભારતનો સરેરાશ જીડીપી ગ્રોથ સાત ટકાથી વધુ રહ્યો છે. આગામી અમુક વર્ષોમાં તેમાં ઘટાડો થવાની આશંકા છે. તેનું કારણ એ છે કે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ અને ડિમાન્ડે રફ્તાર પકડી નથી. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ખાનગી અંતિમ વપરાશ ખર્ચ જીડીપીનો 52.9 ટકા રહ્યો જે 2011-12 ના બેઝ યર સિરીઝમાં સૌથી ઓછો છે.