YouTubeથી થતી કમાણી પર લાગે છે ટેક્સ, જાણો શું છે સરકારી નિયમ
YouTube Earning Tax : વર્તમાન સમયમાં યુવાનો માટે યુટ્યુબ આવકનું એક મોટું સ્ત્રોત બની ગયું છે. ભારતમાં લાખો કરોડો લોકો છે જે યૂટ્યુબ પર કન્ટેન્ટ શેર કરતા હોય છે. આમાંથી કેટલાક એવા પણ લોકો છે જો યુટ્યુબના માધ્યમથી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ કમાણી પર પણ સરકાર ટેક્સ વસૂલે છે. તો ચાલો જાણીએ કે જો તમે યુટ્યુબથી કમાણી કરી રહ્યા છો તો તમારે કેટલું ટેક્સ ભરવું પડશે.
ટેક્સના નિયમ
યુટ્યુબથી થતી આવક પર ટેક્સ કેટલું લગાવવું એ તે બાબત પર આધારિત છે કે, તેને 'અન્ય સ્ત્રોતોથી થતી આવક' કે 'વેપાર અથવા વ્યવસાયિક આવક' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. મોટાભાગના કિસ્સામાં આવી આવકને વેપાર દ્વારા થતી આવક જ ગણવામાં આવે છે અને તેના પર આવક વેરા કાયદો 1961ની કલમો લાગુ થાય છે.
એક કરોડથી ઓછી આવક પર ટેક્સ
યુટ્યુબ દ્વારા થતી કમાણી જો એક કરોડ રૂપિયા કરતા ઓછી હોય તો વેરો ભરનાર વ્યક્તિને સામાન્ય ટેક્સ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. નાણાકીય રેકોર્ડ પણ રાખવું પડશે, પરંતુ ટેક્સ ઓડિટ કરાવવાની કોઇ આવશ્યતા નથી.
એક કરોડથી વધુ આવક પર ટેક્સ
યુટ્યુબ દ્વારા થતી કમાણી જો એક કરોડથી વધુ છે તો તેવી વ્યક્તિને આવક વેરો કાયદો 1961ની કલમ 44AB અંતર્ગત ટેક્સ ઓડિટ કરાવવું આવશ્યક છે. આવી સ્થિતિમાં ચેનલના માલિકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના માધ્યમથી ઓડિટ કરાવવું પડશે. જેમાં કુલ કરપાત્ર આવક એ કુલ આવકમાંથી વેપાર ખર્ચ અને ડિપ્રિશિએશનને બાદ કર્યા પછી ગણવામાં આવે છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં રોકાણ કરવા મામલે અવ્વલ ગુજરાતમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં કોઈ વધારો નહીં
GST પણ લાગે છે
યુટ્યુબથી જાહેરાત દ્વારા થતી આવક પર 18 ટકા GST (9 ટકા SGST અને 9 ટકા CGST) લાગુ થાય છે. જે માટે યુટ્યુબ ક્રિએટર્સને પોતાની ચેનલનું GST રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.