કરદાતા ચાર વર્ષ સુધી ટેક્સ રિટર્ન સુધારીને ફાઈલ કરી શકશે
ત્રણથી ચાર વર્ષના ગાળમાં સુધારેલું રિટર્ન ફાઈલ કરે તો ચૂકવવા પાત્ર ટેક્સ અને વ્યાજની રકમ પર ૭૦ ટકા વધુ ચૂકવવું પડશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા બે વર્ષથી વધારીને ૪ વર્ષ કરી છે. તેમ જ તેના પર વધારાનું વ્યાજ ચૂકવવાના અને ટેક્સના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. કરદાતાએ આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યુ હોય અને રિટર્ન ફાઈલ કર્યા પછી તે રિટર્નમાં તેણે ફેરફાર કરવો હોય તો અગાઉ કલમ ૧૩૯(૮એ) હેઠળ કરદાતા વધુ ટેક્સ ભરીને સુધારેલું રિટર્ન ફાઈલ કરી શકતો હતો.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીન શાહનું કહેવું છે કે અગાઉ એક વર્ષની સમયમર્યાદામાં આવકવેરાના રિટર્નમાં ફેરફાર કરવો હોય તો ચૂકવવા પાત્ર ટેક્સ અને તેના પરના વ્યાજની કુલ રકમ પર ૨૫ ટકા વધારાની રકમ ભરવી પડતી હતી. આ જ રીતે એકથી બે વર્ષના ગાળામાં રિટર્નમાં સુધારો કરવામાં આવતો હતો ત્યારે વધારાના ભરવાને પાત્ર ટેક્સ અને વ્યાજની રકમ પર ૫૦ ટકા વધુ રકમ ચૂકવવી પડતી હતી.
હવે આ સમયમર્યાદા વધારીને બેથી ત્રણ વર્ષ વચ્ચેના ગાળામાં કરદાતા તેના રિટર્નમાં કોઇ ફેરફારે તો ચૂકવવા પાત્ર ટેક્સ અને વ્યાજની કુલ રકમ પર ૬૦ ટકા વધુ રકમ જમા કરાવીને રિટર્ન સુધારી શકશે. આ જ રીતે ત્રણથી ચાર વર્ષના ગાળા બાદ કરદાતા તેના રિટર્નમાં સુધારો કરવા માગતો હોય તો તેવા સંજોગોમાં તેણે ભરવા પાત્ર ટેક્સ અને વ્યાજની કુલ રકમ ઉપરાંત વધારાની ૭૦ રકમ વધુ ચૂકવીને રિટર્નમાં ફેરફાર કરી શકશે.
૪૮ મહિના સુધી રીટર્ન ફાઈલ કરવાની તક મળશે
રિટર્નમાં વિગતો દર્શાવવાની રહી ગઈ હોય અને સુધારેલું રિટર્ન ફાઈલ કરવામાં આવે તો આવકવેરા ધારાની કલમ ૧૪૮(એ) હેઠળ આકારણી વર્ષ પૂરું થયા પછી ૩૬ મહિના સુધીમાં કારણદર્શક નોટિસ આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તે કરદાતાઓને સુધારેલા રિટર્ન ફાઈલ કરવાની તક પૂરી પાડવામાં આવશે નહિ, એમ આવકવેરાના જાણકાર હિરેન વકીલનું કહેવું છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટમાં કરેલી જાહેરાત પ્રસ્તુત જાહેરાત કરી છે કે આવકવેરા વેરા ધારાની કલમ ૧૪૮(એ)ની પેટા કલમ (૩)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ઓર્ડર કરવામાં આવે કે આવકવેરા ધારાની કલમ ૧૪૮ યોગ્ય ન જણાય તો બાકી રહેલા બાર માસના ગાળામાં કરદાતા તેમનું સુધારેલું પત્રક ફાઈલ કરી શકશે. ૩૭થી ૪૮ મહિનાના ગાળામાં તેમને સુધારેલું પત્રક ફાઈલ કરવાની તક આપવામાં આવશે. કલમ ૧૪૮ હેઠળ આવકવેરાનું રિટર્નનો કેસ ત્રણ વર્ષ સુધી રિઓપન કરવાની છૂટ છે. કેસ રિઓપન કરવા માટેનો કેસ યોગ્ય ન હોય તેવા સંજોગમાં છેલ્લા બાર મહિનામાં કરદાતાને અપડેટ કરેલું એટલે કે સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની તક આપવામાં આવી છે.
બજેટમાં કરવામાં આવેલો આ સુધારો પહેલી એપ્રિલ ૨૦૨૫થી લાગુ કરવામાં આવશે.