રોકાણની ઉત્તમ તક : Tata ગ્રુપની આ કંપની લાવી રહી છે IPO
અમદાવાદ,તા.03 સપ્ટેમ્બર 2022,શનિવાર
Tata Play IPO : ભારતીય શેરબજારના લાંબાગાળાના સૌથી મોટા વેલ્થ ક્રિએટર્સ ટાટા ગ્રુપની વધુ એક કંપનીનો ટૂંક સમયમાં IPO આવી રહ્યો છે. ટાટા ગ્રૂપના સેટેલાઇટ ટીવી બિઝનેસ સાથે સંકળાયેલી કંપની ટાટા પ્લેનો ટૂંક સમયમાં IPO લોન્ચ થવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિનાના અંત સુધીમાં કંપની ડ્રાફ્ટ પેપર સેબીને સબમિટ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ટાટા સ્કાયનું બ્રાન્ડ નેમ બદલીને ટાટા પ્લે લિમિટેડ કરવામાં આવ્યું છે.
ગત વર્ષથી ટાટા સમૂહે ટાટા પ્લેના IPO પર કામ શરૂ કર્યું હતું, પરંતુ રીબ્રાન્ડિંગ સહિતના અમુક કારણોસર આઈપીઓને અટકાવવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) આ મહિનાના અંત સુધીમાં સેબીને સબમિટ થવાની અપેક્ષા છે.
પ્રસ્તાવિક IPOમાં ટેમાસેક અને ટાટા કેપિટલ જેવા રોકાણકારો કંપનીમાં તેમનો હિસ્સો વેચશે. IPOનું કદ 300-400 મિલિયન ડોલર એટલેકે 3000 કરોડ ડોલરની આસપાસ રહેવાનો અંદાજ છે.
2004માં શરૂ થઈ હતી કંપની :
ટાટા સન્સ અને નેટવર્ક ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ FZ-LLC (NDDS) વચ્ચે 80:20ના સંયુક્ત સાહસ તરીકે ટાટા સ્કાયએ 2004માં કામગીરી શરૂ કરી હતી. NDDSએ રુપર્ટ મર્ડોકની 21st Century Foxની માલિકી ધરાવતું એકમ છે.
ડિઝનીએ 2019માં ફોક્સને હસ્તગત કર્યું. ડિઝની TS ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ થકી ટાટા સ્કાયમાં વધુ 9.8% હિસ્સો ધરાવે છે. ટાટા સન્સ નવી ટાટા પ્લે કંપનીમાં 41.49% હિસ્સો ધરાવે છે.
સામે પક્ષે દેશના D2H સેક્ટર પર નજર કરીએ તો ટાટા પ્લે 33.23% માર્કેટ શેર સાથે સૌથી મોટી DTH સર્વિસ પ્રોવાઈડર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર 31 માર્ચના અંતે દેશમાં કુલ DTH સબસ્ક્રાઈબર્સની સંખ્યા 6.69 કરોડ હતી.