ફોર્ડના પ્લાન્ટમાં બનશે ટાટાની ગાડીઓ, સાણંદ પ્લાન્ટ ટેકઓવર કરવા MoU કર્યા
અમદાવાદ,તા. 30 મે 2022,સોમવાર
ભારતની સૌથી ઝડપથી આગળ વધતી ઓટો કંપની ટાટા મોટર્સે ગુજરાતમાં તેનો વ્યાપ વધારવાનો નિર્ણૅય કર્યો છે. વૈશ્વિક જાયન્ટ ઓટોમોબાઈલ કંપની ફોર્ડ જેણે ભારતીય કારોબાર સમેટવાની તાજેતરમાં જ જાહેરાત કરી હતી તેનો ગુજરાત સ્થિત પ્લાન્ટ હવે ટાટા મોટર્સ ખરીદવા જઈ રહી છે.
કોરોના મહામારીની બમણી માર અને ઈલેક્ટ્રિક કાર બજારના વધતા કદને જોતા હવે નવા મૂડીરોકાણ અને અન્ય કારણોસર ફોર્ડે ભારતીય કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી હતી. આ જ મુદ્દે આગળ વધતા હવે ફોર્ડે તેનો ગુજરાતના સાણંદ સ્થિત પ્લાન્ટને વેચવા માટે ટાટા મોટર્સ અને ગુજરાત સરકાર સાથે કરાર કર્યા છે, તેમ એક મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે.
વધુ વાંચો:ગુજરાત: ટાટા મોટર્સ ફોર્ડ પ્લાન્ટમાં 2 લાખ EVsનું કરશે પ્રોડક્શન
અત્રે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં ગુજરાત કેબિનેટે આ સોદાને પ્રારંભિક મંજૂરી આપી છે. બંને કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ હવે ફોર્ડનો પ્લાન્ટ ટાટા હસ્તગત કરી શકશે. આજે સોમવારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સામે ટાટા મોટર્સ અને ફોર્ડ વચ્ચે એમઓયુ પણ સાઈન થયા છે.
જોકે આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું કે “ગુજરાત કેબિનેટની મંજૂરી માત્ર એક શરૂઆતી લીલી ઝંડી છે. બંને કંપનીઓ વચ્ચે આ સોદાના કદ, કર્મચારી મંડળ, નાણાકીય અને ટેકઓવરમાં સામેલ અન્ય લાભો અંગેની વાટાઘાટો શરૂઆતી તબક્કામાં જ છે.
ફોર્ડને પ્લાન્ટ સ્થાપતિ વખતે રાજ્ય સરકારે આપેલ કન્સેશન એગ્રીમેન્ટના બાકીના સમયગાળા માટેના લાભ હવે ટાટા મોટર્સને આપવા મુદ્દે સંમતિ દર્શાવી છે.
ફોર્ડનું EVનું સપનું ધ્વસ્ત :
જનરલ મોટર્સની ગુજરાત એક્ઝિટ બાદ ફોર્ડે ભારતમાં પેટ્રોલ-ડીઝલ કાર અને એન્જિન બનાવવાનું બંધ કર્યા બાદ આ મહિનાની શરૂઆતમાં જ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાની યોજના પણ પડતી મુકી હતી. ફેબ્રુઆરી 2022માં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ પસંદ કરાયેલી 20 વિવિધ કંપનીઓમાં ફોર્ડ ઇન્ડિયા પણ એક હતી પરંતુ હવે અમેરિકા સ્થિત કંપની ઈલેટ્રિક વાહનો ભારતમાં બનાવવા માંગવામાં આવેલ છૂટછાટની અરજી પણ પાછી ખેંચી શકે છે.