તાતા જૂથની માર્કેટ વેલ્યુ પાકિસ્તાનના આખા અર્થતંત્ર કરતા પણ વધારે...
પાકિસ્તાન પર 1.25 હજાર કરોડ ડોલરનું વિદેશી દેવું છે, મોંઘવારી પણ ચરમસીમાએ
Tata Group: તાતા જૂથની કંપનીઓ રોકાણકારોની સંપત્તિમાં વધારો કરી રહી છે. એક વર્ષમાં તાતા જૂથની માર્કેટ વેલ્યુ એટલી વધી ગઈ છે કે, પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ છોડી દીધુ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનનું અર્થતંત્ર લગભગ 3.41 હજાર કરોડ ડોલર છે, તો બીજી તરફ તાતા જૂથની માર્કેટ વેલ્યુ લગભગ 3.65 હજાર કરોડ ડોલર છે. રૂપિયા 15 લાખ કરોડ એટલે કે 1.70 હજાર કરોડ ડોલરની માર્કેટ વેલ્યુ ધરાવતી તાતાની કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું કદ પાકિસ્તાનના અડધા અર્થતંત્ર જેટલું છે.
તાતા જૂથની અનલિસ્ટેડ કંપનીઓ
તાતા જૂથની અનલિસ્ટેડ કંપનીઓ જેમ કે, તાતા સન્સ, તાતા કેપિટલ, તાતા પ્લે, તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, એર ઈન્ડિયા અને વિસ્તારાના એરલાઈન્સ બિઝનેસની ગણતરી કરવામાં આવે તો તાતા જૂથની માર્કેટ વેલ્યુમાં વધું 1.60-1.70 હજાર કરોડ ડોલરનો વધારો થશે.
પાકિસ્તાનનું અર્થતંત્ર તળિયે
પાકિસ્તાન ભારે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનની કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) નાણાકીય વર્ષ 2022માં 6.1 ટકા અને નાણાકીય વર્ષ 2021માં 5.8 ટકા વધારો થયો હતો, પરંતુ હવે નાણાકીય વર્ષ 2023માં તેમાં ઘટાડો થયો છે. પૂરના કારણે પાકિસ્તાનમાં અબજો ડોલરનું નુકસાન થયું હતું. પાકિસ્તાન પર 1.25 હજાર કરોડ ડોલરનું વિદેશી દેવું છે. જુલાઈથી 2500 કરોડ ડોલરના વિદેશી દેવું ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને IMF તરફથી તેનો 300 કરોડનો કાર્યક્રમ પણ માર્ચમાં સમાપ્ત થઈ રહ્યો છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 800 કરોડ ડોલર છે.
તાતા જૂથની કંપનીઓની સ્થિતિ
તાતા જૂથની કંપનીઓની વાત કરીએ તો વધુ કંપનીના વેલ્યુમાં વધારો તાતા મોટર્સ અને ટ્રેન્ટ થકી થયો. આ ઉપરાંત ટીસીએસ, ટાઈટન અને તાતા પાવરના શેરમાં પણ એક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં લિસ્ટેડ તાતા ટેક સહિત, તાતાની આઠ કંપનીઓ - તાતા ટેક, ટીઆરએફ, ટ્રેન્ટ, બનારસ હોટેલ્સ, તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, તાતા મોટર્સ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા અને આર્ટસન એન્જિનિયરિંગે એક વર્ષમાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે.