પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં વધુ વેલ્યૂએશન, 10 લાખને રોજગાર, 100થી વધુ કંપનીઓ, જાણો ટાટા ગ્રૂપ કેટલું મોટું
Tata Group valuation: મીઠુંથી માંડી એરલાઈન સુધી લગભગ તમામ સેગમેન્ટમાં બિઝનેસ કરતાં ટાટા ગ્રુપની નેટવર્થ પાકિસ્તાનના જીડીપી કરતાં વધુ છે. પાકિસ્તાનનો આ વર્ષનો જીડીપી 347 અબજ ડોલર હોવાનો અંદાજ છે, જ્યારે ટાટા ગ્રુપની માર્કેટ કેપ રૂ. 400 અબજ ડોલરથી વધુ છે. ટાટા ગ્રુપ ભારતનો 400 અબજ ડોલરનો બિઝનેસ ધરાવતી દિગ્ગજ ઈન્ડસ્ટ્રી છે. જેના સામ્રાજ્યમાં 100થી વધુ કંપનીઓ છે. ગ્રુપની 26 કંપનીઓ સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટેડ છે.
1868થી શરૂ થઈ આ સફર
ટાટા ગ્રુપ ખૂબ જુની કારોબારી ઘરાનાનું છે. 1868માં એક ટ્રેડિંગ કંપની તરીકે તેની શરૂઆત થઈ હતી. ટાટા ગ્રુપમાં આશરે 100 કંપનીઓ સામેલ છે. જેનો કારોબાર 100થી વધુ દેશોમાં ફેલાયેલો છે. વિશ્વના 150 દેશોમાં ટાટા ગ્રુપની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ રતન ટાટાની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે
ટાટા ગ્રુપની ટોચની કંપનીઓ
ટાટા ગ્રુપની ટોચની કંપનીઓ ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઈટન કંપની, ટાટા કેમિકલ, ટાટા પાવર, ઈન્ડિયન હોટલ્સ કંપની, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, વોલ્ટાસ લિમિટેડ, ટ્રેન્ટ લિમિટેડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મેટાલિક્સ, ટાટા એલેક્સી, નાલ્કો લિમિટેડ, ટાટા ટેક અને રેલિસ ઈન્ડિયા સામેલ છે. લિસ્ટેડ 25થી વધુ કંપનીઓના શેર્સ આજે રતન ટાટાના નિધનના કારણે ફ્લેટથી ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે.
લાખો લોકોને આપી રોજગારી
ટાટા ગ્રુપ રોજગારી આપવામાં અવ્વલ છે. ટાટા ગ્રુપે લાખોની સંખ્યામાં લોકોને રોજગારી આપી છે. 2023ના આંકડાઓ અનુસાર, ટાટા ગ્રુપમાં કામ કરતાં કર્મચારીઓની સંખ્યા 10,28,000 હતી. જેમાં ટીસીએસમાં જ 6.15 લાખ લોકો કામ કરે છે.