હવે ચીન સરહદે ટાટાની એન્ટ્રી, મેગા ચિપ પ્લાન્ટની યોજનાથી ડ્રેગનને આઘાત, જાણો શું છે ભારતની યોજના
ચીનના બોર્ડર સ્ટેટ આસામમાં ચિપ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા ટાટા ગ્રુપ દ્વારા પ્રસ્તાવ પણ સબમિટ કરાયો
પ્લાન્ટને મંજૂરી મળ્યા બાદ 1000 લોકોને મળશે રોજગારી, ટાટા પ્લાન્ટ માટે રૂ.40000 કરોડનો ખર્ચ કરશે
નવી દિલ્હી, તા.12 નવેમ્બર-2023, સોમવાર
ભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમયમાં ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપી ગતીએ ગ્રોથ નોંધાવી રહ્યું છે, તેમ છતાં ચીન તેમજ અન્ય દેશોમાંથી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ (Electronic Product) જેવા મોબાઈલ પાર્ટ્સ (Mobile Parts) આયાત કરવા પડે છે. જોકે વર્તમાન સમયમાં સ્માર્ટફોનની બેટરી ઉપરાંત ચિપસેટ સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાની યોજના પર ભારત સતત કામ કરી રહ્યું છે. આ ક્રમમાં ભારત વધુ એક વિકાસ તરફ આગળ વધ્યું છે, જેના કારણે ચીન (China)ને ઝટકો લાગી શકે છે. ચીનની સરહદ પાસે ભારતનો ચિપ પ્રોસેસિંગ પ્લાન્ટ (Chip Processing Plant) તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને તે માટે ટાટા ગ્રુપે એક પ્રસ્તાવ પણ સબમિટ કર્યો છે.
આસામમાં ચિપ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની ટાટાની તૈયારીઓ શરૂ
ટાટા ગ્રુપ (Tata Group) દ્વારા ચીનના બોર્ડર સ્ટેટ આસામ (Assam)માં ચિપ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. આ માટે ટાટા ગ્રુપ દ્વારા એક પ્રસ્તાવ પણ સબમિટ કરાયો છે. ટાટા આ પ્લાન્ટના નિર્માણ માટે 40 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. અગાઉ કંપનીએ તમિલનાડુ (Tamil Nadu)માં આઈફોન ફેક્ટરી સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.
ટાટા-આસામ સરકાર વચ્ચે વાતચીત
ટાટા ઈલેક્ટ્રોનિક્સ લિમિટિડે (Tata Electronics Limited) આસામ રાજ્યના જગીરોડમાં એક ઈલેક્ટ્રોનિક સેન્ટર સ્થાપિત કરવા એપ્લિકેશન સબમિટ કરી છે. ટાટા ગ્રુપ સેમીકંડક્ટર એસેમ્બલી અને પેકેજિંગ પ્લાન્ટ માટે આસામ સરકાર સાથે વાતચીત કરી રહી છે. આ પ્રોજેક્ટને એક-બે મહિનામાં મંજૂરી મળવાની આશા છે. એવું મનાઈ રહ્યું છે કે, આ પ્લાન્ટથી આસામમાં લગભગ 1000 લોકોને રોજગારી મળી શકે છે.
ચીનનું વધશે ટેન્શન
ટાટા ગ્રુપ ભારતની સૌથી મોટી iPhone એસેમ્બલી પ્લાન્ટો સ્થાપવાની યોજના પર કામ કરી રહ્યું છે. ચીન પર નિર્ભર રહેતું Apple પણ નિર્ભરતા ઘટાડવા મથી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં ભારત સૌથી પસંદગીનો દેશ બની રહ્યો છે. ટાટા ગ્રુપ સાઉથ તમિલનાડુ રાજ્યના હોસુરમાં ફેક્ટરી સ્થાપવા ઈચ્છે છે, જેમાં 20 એસેમ્બલી લાઈન અને 50 હજાર લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ પ્લાન્ટ 12થી 18 મહિનામાં શરૂ થઈ શકે છે.