ટેરિફ વોર: ભારત પણ વળતા પ્રહારના મૂડમાં : ઉદ્યોગોને સલામત બનાવશે
- યુકે, ઓમાન સહિતના કેટલાક દેશો સાથે ભારત હાલમાં વેપાર વાટાઘાટ કરી રહ્યું છે
મુંબઈ : અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોર સામે દેશના વેપારઉદ્યોગને સલામત બનાવવા ભારત સરકાર કેટલાક દેશો સાથે તેની મુકત વેપાર કરાર વાટાઘાટને ઝડપથી હાથ ધરી કરાર કરવામાં ઉત્સુક બની છે. મુકત વેપાર કરારના કિસ્સામાં ભાગીદાર દેશો વચ્ચે ડયૂટીના દર નીચા રહે છે.
વધુ દેશો સાથે વેપાર કરાર કરવાથી ટ્રમ્પની આકરી વેપાર નીતિની અસરોને ખાળી શકાશે એમ સરકાર માની રહી છે. ભારત હાલમાં યુકે, ઓમાન તથા યુરોપિયન યુનિયન સહિતના કેટલાક દેશો સાથે મુકત વેપાર કરાર અંગે વાટાઘાટ કરી રહ્યું છે.
વેપાર કરારને કારણે કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો થવાની અપેક્ષા છે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ટ્રમ્પની ટેરિફ વોરને કારણે બજારો ખોરવાઈ રહી છે અને વૈશ્વિક વેપારમાં ચિંતા ઊભી થઈ છે. સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર ૨૫ ટકા વધારાની ટેરિફ જાહેર કર્યા બાદ ટ્રમ્પ અમેરિકાના માલસામાન પર ઊંચી ટેરિફ ધરાવતા દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર વળતા ટેરિફ જાહેર કરવા યોજના ધરાવે છે.
આવી સ્થિતિમાં મુકત વેપાર કરાર એક સાનુકૂળ શસ્ત્ર હોવાનું સરકાર માની રહી છે. વેપાર કરારને કારણે વેપાર મર્યાદાઓ દૂર થઈ જાય છે અને ભાગીદાર દેશોને સરળ બજાર જોડાણો મળી રહે છે, એમ પણ અધિકારીએ ઉમેર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ મુદતવેળાએ અમેરિકા સાથે જે શકય બની શકયા નહોતા તેવા લઘુ વેપાર કરાર કરવા ભારત પ્રયત્નો કરવા ધારે છે.