સુપ્રીમ કોર્ટે નકાર્યા બેવડા કરવેરા લાભો, બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાની પોલિસી બદલવી પડશે
Supreme Court rejects double taxation benefits(DTAA) : સ્વિટ્ઝર્લેન્ડે ભારત સાથેના ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ(DDTA) અંતર્ગત મોસ્ટ-ફેવર્ડ નેશન(MFN) સ્ટેટ્સની અરજીને સ્થગિત કરી દીધી છે. જેનાથી હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ(MNC)ની કર જવાબદારીઓમાં વધારો થઈ શકે છે.
આ નિર્ણય સ્વિટ્ઝર્લેન્ડે ભારતીય સુપ્રીમ કોર્ટે ઑક્ટોબર 2023 આપેલા ચુકાદા બાદ લીધો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ(DTAA) હેઠળ આપવામાં આવતું મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નું સ્ટેટ્સ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ સૂચિત ન થાય ત્યાં સુધી તેને લાગુ કરી શકાતું નથી. DTAA બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં અપાયેલા ચુકાદાના પરિણામે બહુરાષ્ટ્રીય કંપનીઓ(MNCs) એ તેમના રોકાણ પર વળતર (રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ - ROI) અને ખર્ચ-લાભ વિશ્લેષણ ફરીથી કરવું પડશે. આ ચુકાદો આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આપવામાં આવ્યો હતો.
શું ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે?
ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી ભારતીય કર સત્તાવાળાઓ સ્પષ્ટપણે સૂચિત ન કરે ત્યાં સુધી પક્ષકારો ‘ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ્સ’ (DTAA) હેઠળ લાભ મેળવી શકશે નહીં. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે જો ભારત કોઈ રાષ્ટ્ર સાથે DTAAની સમજૂતી કરે છે, તો પણ તેના હેઠળના લાભ લઈ શકાતા નથી, સિવાય કે તે દેશના કાયદામાં નોટિફિકેશન દ્વારા વણાયેલ હોય.
આ પણ વાંચો : સોનું વધી રૂ.81,000 નજીક: ચાંદી રૂ.93,000ને પાર : ક્રૂડ વધી 74 ડોલર
શું છે DTAA?
કોઈપણ દેશ બે દેશો દ્વારા સમાન આવક પર કરવેરા ટાળવા માટે DTAA સમજૂતી કરે છે. જો કોઈ વ્યક્તિ અથવા કંપની એક દેશમાં કરેલા રોકાણથી બીજા દેશમાં આવક મેળવતી હોય, તો DTAAની શરતોના આધારે તેમણે માત્ર એક દેશમાં કર ચૂકવવો પડે છે.
કયા દેશને વેપારની કેટલી છૂટ આપવી?
ભારતની નેધરલૅન્ડ, ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડ સાથેની DTAA સમજૂતીમાં ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ (MFN) કલમનું અર્થઘટન કરતી વખતે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. MFN કલમ ડિવિડન્ડ, વ્યાજ, રોયલ્ટી અથવા ટેક્નિકલ સેવાઓ (FTS) માટેની ફી પરના સ્ત્રોત પર કરવેરાનો દર ઘટાડવાની જોગવાઈ કરે છે. MFN કલમ મુજબ, જ્યારે કોઈ દેશ ‘ઑર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કૉઓપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ’(OECD)ના સભ્ય દેશને વેપાર માટેની છૂટ આપે છે, ત્યારે તેણે આની છૂટ બધા સભ્યોને આપવી જોઈએ. જોકે, ભારતે કરાર કર્યો હોય ત્યારે OECDના સભ્ય ન હોય, પરંતુ પાછળથી સભ્ય બન્યો હોય એવા (ત્રીજા) દેશને MFNની આ કલમ લાગુ પડે છે. કેમ કે, તે નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું.
હવે ચુકાદાની શું અસર થશે
- આ ચુકાદાના પરિણામે, નેધરલૅન્ડના ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) પર 5 ટકા વિથહોલ્ડિંગ ટેક્સને બદલે 10 ટકા વિથહોલ્ડિંગ ટેક્સ લાગુ પડશે, જેનાથી ભારતમાંથી તેમના RoIમાં ઘટાડો થશે. નેધરલૅન્ડ અને ફ્રાન્સનો સમાવેશ 2023ના ટોચના 10 FPI(ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ)માં થાય છે.
- કોર્ટના ચુકાદાને કારણે કેપિટલ રિટર્ન મોંઘું થશે કારણ કે ટેક્સ વધારાને ધ્યાનમાં લેવો પડશે. ભારતમાં વ્યાપાર કરતી ડચ, ફ્રેન્ચ અને સ્વિસ કંપનીઓ નવી કંપનીઓ સ્થાપવાનું વિચારી રહી છે અને એ માટે તેમણે ROI વિશ્લેષણ અને ખર્ચ-લાભનું ગણિત ફરીથી ગણવું પડશે. આવક પર કરવેરાના વધેલા દર બાબતે તેમણે સંઘર્ષ કરવો પડશે.
- આ ચુકાદો કાયદાના સિદ્ધાંત પર આધારિત છે, અન્ય દેશો સાથેના સંબંધો પર આધારિત નથી. એને લીધે ટેક્સ માળખાનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર પડશે. એને લીધે રોકાણની રકમ પર અસર પડશે. આ મુદ્દે અસ્પષ્ટતા ટાળવા માટે ભવિષ્યની કર સંધિઓમાં વધુ સ્પષ્ટતાની માંગ પણ ઊભી થશે.
આ પણ વાંચો : ડોલર સામે રૂપિયામાં 84.89નું નવું તળિયું
પુનઃમૂલ્યાંકન પર વિચાર કરી શકાય
નિષ્ણાતોનું કહેવું છે કે સત્તાવાળાઓ કોર્ટના આ ચુકાદાને કારણે ભૂતકાળના વ્યવહારો પર કરવેરાનું પુનર્મૂલ્યાંકન કરવાનું વિચારી શકે છે. અગાઉના ધારાધોરણોને આધારે કરાયેલા વ્યવહારો ફરી ચર્ચામાં આવે અને આવકવેરા વિભાગ તરફથી કંપનીઓને પુનઃમૂલ્યાંકનની નોટિસો મળે, એવું બની શકે એમ છે.
કેસ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?
2021માં, દિલ્હી હાઇકોર્ટે નક્કી કર્યું હતું કે DTAA હેઠળના લાભ લેવા માટે પક્ષકારોને સરકાર દ્વારા કોઈ અલગ સૂચના પસાર કરવાની જરૂર નથી. આવકવેરા વિભાગે આ ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરાઈ હતી કે, ભારત ‘દ્વૈતવાદી’ (ડ્યુઅલિસ્ટ) પ્રથાને અનુસરે છે, જેનો અર્થ છે કે આંતરરાષ્ટ્રીય સંધિઓ રાષ્ટ્રીય કાયદાકીય વ્યવસ્થામાં આપમેળે આત્મસાત થતી નથી, તેને અલગ કાયદાની જરૂર છે. કોર્ટે આ દલીલ સ્વીકારી હતી.