ડોક્ટર્સ પણ મોંઘી-બિનજરૂરી દવાઓનો પ્રચાર કરે છે તેનું શું? પતંજિલ કેસમાં સુપ્રીમ કોર્ટે સરકાર અને IMAની પણ ઝાટકણી કાઢી
Patanjali Ayurveda Misleading Ads Case: સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપની દ્વારા ભ્રામક જાહેરાતોના પ્રચાર મામલે સુનાવણી કરતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ આડે હાથ લીધા હતાં. કોર્ટે એલોપેથી ડોક્ટર્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તમે ડોક્ટર પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરો છો.
સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ને પણ ખખડાવતાં કહ્યું કે, જ્યારે તમે એક આંગળી કોઈની તરફ ચીંધો છો, ત્યારે ચાર આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે. એલોપેથી ડોક્ટર પણ મોંઘી દવાઓનો પ્રચાર કરે છે. તેના વિરૂદ્ધ કેમ ક્યારેય પ્રશ્ન ઉભો ન થયો. તમે નૈતિકતાની વાત કરો છો, તો તમારે તમારી તરફ જોવાની પણ જરૂર છે. એલોપેથી ડોક્ટર દર્દીઓને મોંઘી અને બિનજરૂરી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે.
વધુમાં કોર્ટે કહ્યું કે, IMA વિરૂદ્ધ પણ અપ્રમાણિકતાની ફરિયાદો મળતી હોય છે. પતંજલિ ઉપરાંત અન્ય એફએમસીજી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટ વિશે ભ્રામક દાવાઓ કરે છે. જેના ઉપયોગથી નાના બાળકો, અને વરિષ્ઠ નાગરિકો પર ખરાબ અસર થાય છે.
શું છે સમગ્ર મામલો
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવ અને પતંજલિ વિરૂદ્ધ એલોપેથિક સારવાર પદ્ધતિને નિશાન બનાવવા તેમજ પોતાની કોરોનિલ દવા વિશે ભ્રામક દાવો કરવા બદલ પીઆઈએલ કરી હતી. એસોસિએશને કહ્યું હતું કે, બાબા રામદેવની કંપની દવા અંગે ભ્રામક દાવાઓ કરતી જાહેરાતો કરે છે. તેમજ એલોપેથી વિરૂદ્ધ ખોટા નિવેદનો આપે છે. જેમાં બાબા રામદેવ પણ સામેલ છે.
ગતવર્ષે પતંજલિએ કહ્યું હતું કે, અમે ખોટા દાવાઓનો પ્રચાર કરીશું નહિં. જો કે, આ વર્ષે પણ કોર્ટને પતંજલિની આ ભ્રામક જાહેરાતોનું પ્રસારણ થતું નજરે ચડ્યું છે. આ મામલે કોર્ટે પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને બાલ ક્રિષ્નાને પોતાની જાહેરાતની સાઈઝ જેટલુ જ માફીનામુ અખબારમાં પ્રસારિત કરવા આદેશ કર્યો છે.
આયુષ મંત્રાલયને પણ ટકોર કરી
સુપ્રીમ કોર્ટની બેન્ચે આયુષ મંત્રાલય પાસેથી મળેલા પત્રોને ફગાવતાં ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડિઝ એક્ટ, 1954નો નિયમ 170 અંતર્ગત ભ્રામક જાહેરાતો વિરૂદ્ધ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો છે. આયુષ મંત્રાલયે 2023માં તમામ રાજ્યોની ઓથોરિટીને 170ના નીતિ-નિયમો હેઠળ કાર્યવાહી હાથ ન ધરવા આદેશ કર્યો હતો. એક બાજુ સરકાર ભ્રામક જાહેરાતો ન ચલાવવા તેમજ તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ કરતી હોય છે, અને રાજ્ય સરકારને 170 નિયમનુ પાલન કરવા આદેશ કરે છે. શું પાલન ન કરવુ એ કાયદાનું ઉલ્લંઘન નથી?