Get The App

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, સોમવાર સુધીમાં લેખિત દલીલ રજૂ કરવાનો આદેશ

શેરબજારની કામગીરીને ભવિષ્યમાં સુધારવા અંગે પણ ચર્ચા

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, સોમવાર સુધીમાં લેખિત દલીલ રજૂ કરવાનો આદેશ 1 - image


Adani-Hindenburg Case: હિડનબર્ગ રિપોર્ટ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસનો આદેશ અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને સોમવાર સુધીમાં લેખિત દલીલ રજૂ કરવા માટે જણાવ્યું છે. આ સુનાવણી દરમિયાન કેવી રીતે શેરબજારની કામગીરીને ભવિષ્યમાં સુધારી શકાય તેના પર પણ ચર્ચા કરવામાં આવી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલ એડવોકેટ પ્રશાંત ભૂષણે માંગ કરી હતી કે અદાણીના શેરમાં થયેલા રોકાણની તપાસ કરવામાં આવે. કોને કેટલો ફાયદો થયો તે અંગે પણ જાણ થવી જરૂરી છે. જયારે SEBIએ સામે દલીલમાં કહ્યું કે, તેઓ પહેલાથી જ તમામ પાસાઓની તપાસ કરી ચૂકી છે.

કોણે શું દલીલ કરી?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એડવોકેટ પ્રશાંત ભૂષણનું નામ લીધા વગર કહ્યું કે, કોર્ટમાં હાજર થયેલા કેટલાક લોકો બહારની સંસ્થાઓને તેમના અહેવાલો મોકલે છે અને તેમના દ્વારા પ્રકાશિત કરાવે છે અને પછી તેના આધારે કોર્ટમાં આક્ષેપો કરવામાં આવે છે. સોલિસિટર જનરલએ જણાવ્યું કે સેબી દ્વારા  નિર્ધારિત સમય મર્યાદામાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. 

સામે જવાબ આપતા પ્રશાંત ભૂષણે કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટમાં ઘણી બાબતો કહેવામાં આવી છે. આ અંગે CJI DY ચંદ્રચુડે કહ્યું કે, અમે હિંડનબર્ગ રિપોર્ટની દરેક વસ્તુને એકદમ સત્ય માની શકીએ નહીં. આ અંગેની તપાસ માટે સેબીને કહેવામાં આવ્યું હતું. જેના જવાબમાં ભૂષણે કહ્યું કે, સેબીએ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, પૈસા ખોટી રીતે દુબઈ અને મોરેશિયસ મોકલવામાં આવ્યા હતા અને પછી તે જ પૈસા પાછા અદાણીના શેરમાં રોકાણ કરવામાં આવ્યા હતા. સેબીએ આ પાસાઓની તપાસ કરી જ નથી. તેના પર જજે કહ્યું કે, જો પૈસા ખોટી રીતે બહાર ગયા છે તો શું સેબીની જગ્યાએ DRIનો તપાસનો મુદ્દો નથી.


Google NewsGoogle News