chatGPT પર કન્ટેન્ટ ચોરીનો આરોપ, OpenAI-માઈક્રોસોફ્ટ સામે કેસ દાખલ, જાણો કોણે મૂક્યો આરોપ
ન્યુયોર્ક ટાઈમ્સ તેના કન્ટેન્ટની ચોરી બદલ openAI અને માઈક્રોસોફ્ટ પર હજારો કરોડનો દાવો ઠોકી શકે છે
openAIમાં માઈક્રોસોફ્ટની 49 ટકાની ભાગીદારી છે
OpenAI And Microsoft Copyright Case | અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડેલ chatGPT બનાવનાર કંપની openAI અને તેની 49 ટકાની ભાગીદારી ધરાવતી માઈક્રોસોફ્ટ કંપની પર કેસ દાખલ કર્યો છે. બંને પર આરોપ મૂકાયો છે કે તેમણે અખબારોના લાખો સમાચાર અને લેખનો મફત ઉપયોગ કરી તેમના AI ચેટબોટ મોડેલને વિકસાવ્યું છે.
હજારો કરોડનો દાવો ઠોકાયો!
એવું મનાય છે કે ન્યુયોર્ક ટાઈમ્સ તેના કન્ટેન્ટની ચોરી બદલ openAI અને માઈક્રોસોફ્ટ પર હજારો કરોડનો દાવો ઠોકી શકે છે. openAI સામે અમેરિકામાં પહેલીવાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો છે. મેનહેટ્ટનની સંઘીય કોર્ટમાં આ કેસ ફાઈલ કરાયો હતો. જેમાં દાવો કરાયો છે કે અમે ભારે ખર્ચો કરીને વાંચકો માટે કન્ટેન્ટ બનાવીએ છીએ પણ openAI અને માઈક્રોસોફ્ટ તેનો ઉપયોગ નફો રળવા માટે કરે છે. આ સાથે અખબારના વાંચકો પણ ઘટી રહ્યા છે.
172 વર્ષ જૂનું છે ન્યુયોર્ક ટાઈમ્સ
ઉલ્લેખનીય છે કે 172 વર્ષ જૂનાં અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે એવો પણ દાવો કર્યો છે કે અમે આ મામલે openAI અને માઈક્રોસોફ્ટ સાથે કેસ ન કરવા અને ફાયદાનો સોદો કરવા પ્રયાસ કર્યા હતા પણ મંત્રણા નિષ્ફળ રહી. આ મામલે openAI અને માઈક્રોસોફ્ટે દાવો કર્યો હતો કે અમે કોપીરાઈટ કન્ટેન્ટથી અમારી AI પ્રોડક્ટ્સને ટ્રેનિંગ કરવા માટે ન્યાયને અનુરૂપ કાનૂની નીતિનું પાલન કરી રહ્યા છીએ. તે હેઠળ કોપીરાઈટ કન્ટેન્ટનો ઉપયોગ લાયસન્સ વિના પણ થઇ શકે છે.