સુબ્રતો રૉયના નિધન બાદ SEBIના ખાતામાં જમા 25000 કરોડ રૂ. ફરી ચર્ચામાં, હવે રોકાણકારોના પૈસાનું શું થશે?
રૉયને સહારા ગ્રૂપની કંપનીઓ મામલે અનેક વિનિયામક અને કાનૂની લડતનો સામનો કરવો પડ્યો
Subrata Roy death : સહારા ગ્રુપના સંસ્થાપક સુબ્રત રૉયનું ગઈકાલે મોડી રાતે મુંબઈ ખાતે નિધન થઇ ગયું. સહારા ગ્રૂપના પ્રમુખ સુબ્રત રોયના નિધન બાદ શેરબજારની નિયામક SEBIના ખાતામાં પડેલા 25000 કરોડ રૂપિયાથી વધુની રકમ જેનું અત્યાર સુધી વિતરણ નથી કરાયું તે ફરીવાર ચર્ચામાં આવી ચૂકી છે. લાંબા સમયથી બીમાર રૉયનું ગઈકાલે રાતે મુંબઈમાં નિધન થઇ જતાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.
વિવાદોમાં રહી છે સહારા
રૉયને સહારા ગ્રૂપની કંપનીઓ મામલે અનેક વિનિયામક અને કાનૂની લડતનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પોન્ઝી સ્કીમમાં નિયમોની અવગણના કરવાનો પણ આરોપ લાગ્યો હતો. જોકે તેમના ગ્રૂપે હંમેશા આ આરોપોને નકારી કાઢ્યા હતા.
સહારા સંબંધિત કેસ
2011 માં, સેબીએ સહારા ગ્રૂપની બે કંપનીઓ, સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (SIREL) અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SHICL) ના બોન્ડના આધારે આશરે રૂ. 3 કરોડ રોકાણકારો પાસેથી લીધેલા નાણા પરત કરવા આદેશ કર્યો હતો. સેબીએ આદેશમાં કહ્યું હતું કે, બંને કંપનીઓએ તેના નિયમોનું ઉલ્લંઘન કરીને ભંડોળ એકત્ર કર્યું હતું. લાંબી કાનૂની લડાઈ પછી, સુપ્રીમ કોર્ટે 2012માં સેબીના નિર્દેશોને સમર્થન આપ્યું હતું અને બંને કંપનીઓને રોકાણકારોને 15 ટકા વ્યાજ સાથે એકત્ર કરાયેલ ભંડોળ પરત કરવા જણાવ્યું હતું.
સેબીએ 11 વર્ષમાં આટલા કરોડ પરત કર્યા
આ પછી સહારાએ રોકાણકારોને નાણાં પરત કરવા માટે સેબીમાં અંદાજે 24,000 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, સહારા ગ્રુપ લાંબા સમયથી એક જ વાત કહી રહ્યું છે કે, તેણે પહેલેથી જ 95 ટકા કરતાં વધુ રોકાણકારોને સીધી ચૂકવણી કરી દીધી છે. સેબીએ 11 વર્ષમાં સહારા ગ્રૂપની બે કંપનીઓના રોકાણકારોને રૂ. 138.07 કરોડ પરત કર્યા છે.
25 હજાર કરોડ ચર્ચામાં આવ્યા
દરમિયાન ફરી ચૂકવણી એટલે કે રિફંડ માટે ખાસ શરૂ કરાયેલા બેન્ક એકાઉન્ટમાં જમા રકમ વધીને 25000 કરોડને વટાવી ચૂકી છે. સહારાની બે કંપનીઓના મોટાભાગના બોન્ડધારકોએ આ અંગે કોઈ દાવો નથી કર્યો અને કુલ રકમ ગત નાણાકીય વર્ષ 2022-23માં આશરે સાત લાખ રૂપિયા વધી ગઈ છે. જોકે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં આ દરમિયાન બાકીની રકમ 1087 કરોડ રૂપિયા વધી ગઈ છે. છેલ્લા અપડેટમાં, સેબીએ જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2022 સુધી 17,526 અરજીઓ સંબંધિત કુલ રકમ રૂ. 138 કરોડ હતી. 31 માર્ચ, 2023 સુધી રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કુલ રકમ લગભગ 25,163 કરોડ રૂપિયા છે.