શેરોમાં 'વિજયી' વિક્રમી ઉછાળો : નવી ઐતિહાસિક ઊંચાઈએ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
શેરોમાં 'વિજયી' વિક્રમી ઉછાળો : નવી ઐતિહાસિક ઊંચાઈએ 1 - image


- રોકાણકારોની સંપતિ રૂ.5.80 લાખ કરોડ વધીને રૂ.343.47 લાખ કરોડની નવી ટોચે:સેન્સેક્સ 1384 પોઈન્ટ ઉછળ્યો

- શેર બજારોમાં ફંડોએ શેરોમાં ધૂમ ખરીદી કરી

- ફોરેન ફંડોએ ભારતમાં વિપુલ તકોનો લાભ લીધો

- વૈશ્વિક મોરચે વ્યાજ દરમાં ઘટાડાની શકયતાની અસર 

- ક્રુડ ઓઈલના નીચા ભાવ સહિતના પરિબળો ઉપયોગમાં આવ્યા

મુંબઈ : પાંચ રાજયોની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રણ રાજયોમાં મેળવેલા જબ્બર વિજયના ઉન્માદમાં આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ શેરોમાં ધૂમ ખરીદી કરી વિજયી વિક્રમી ઉછાળો આપ્યો હતો. નેગેટીવિટીને દૂર કરી દેશના વિકાસમાં કામે લાગી જવાના વડાપ્રધાનના આહ્વવાન સાથે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવાના મિશન અને આ દૂરંદેશીને જોઈ  લોકલ ફંડોએ ધૂમ ખરીદી કર્યા સાથે ફોરેન ફંડોએ ભારતમાં વિપુલ તકોને લઈ આજે શેરોમાં મોટાપાયે ખરીદી કરી હતી. વૈશ્વિક મોરચે વ્યાજ દરમાં ઘટાડાની શકયતા અને ક્રુડ ઓઈલના નીચા ભાવ સહિતના પરિબળોએ પણ લોકલ ફંડોની શેરોમાં ધૂમ ખરીદી થઈ હતી. 

બેંકિંગ-ફાઈનાન્સ શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક સાથે બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક  સહિતમાં આક્રમક ખરીદી સાથે લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ,, મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ સહિતમાં લેવાલીએ સેન્સેક્સ ૧૩૮૩.૯૩ પોઈન્ટની છલાંગે ૬૮૮૬૫.૧૨ અને નિફટી સ્પોટ ૪૧૮.૯૦ પોઈન્ટના ઉછાળે ૨૦૬૮૬.૮૦ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ખોબલે ખોબલે ધૂમ ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૮૦૬.૪૧ પોઈન્ટની છલાંગે ૫૨૫૩૯.૯૭ બંધ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૧૬.૨૫ ઉછળીને રૂ.૪૨૬.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૭.૧૫ વધીને રૂ.૯૮૩.૫૦, ફેડરલ બેંક રૂ.૫.૬૦ વધીને રૂ.૧૫૪.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૫૫ વધીને રૂ.૨૦૯.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૨૫ વધીને રૂ.૫૯૧.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫૩.૧૦ વધીને રૂ.૧૮૦૩.૯૦, એચડીએફસી બેંક રૂ.૪૬.૬૦ વધીને રૂ.૧૬૦૨.૧૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૩.૪૦ વધીને રૂ.૧૫૦૪.૫૫ રહ્યા હતા.

વૈશ્વિક સોનું ઉછળી રેકોર્ડ થયા પછી ફરી  ગબડયું!

ઝવેરીબજારમાં વિક્રમી ઉછળકુદ રૂ.900થી 1000ની અફડાતફડી

- અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.77 હજાર આસપાસ અથડાતા રહ્યા હતા

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ બેતરફી વ્યાપક અફડાતફડી જોવા મળી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔશના ૨૦૭૨થી ૨૦૭૩ ડોલરવાળા આજે ઉછળી એક તબક્કે ૨૧૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૨૧૩૫થી ૨૧૩૬ ડોલરની નવી ઉંચી સપાટીને આંબી ગયા પછી ભાવ ઉંચેથી ફરી ઝડપી ગબડી ૨૧૦૦ ડોલરની અંદર ઉતરી ૨૦૬૯થી ૨૦૭૦ ડોલર બોલાઈ રહ્યાના સમાચાર હતા. સોનાના ભાવમાં આવી મોટી ઉછળકુદ આ પૂર્વે જોવા મળી નથી, એવું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટયા મથાળેથી ઉંચકાતાં તથા બોન્ડ યીલ્ડ પણ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ આજે સોના- ચાંદીના ભાવ વધ્યા પછી ફરી ઝડપી તૂટયા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ એકંદરે ૧૦ ગ્રામના રૂ.૭૦૦ ઘટી છેલ્લે બંધ ભાવ ૯૯.૫૦ના રૂ.૬૪૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૪૮૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૭ હજાર આસપાસ અથડાતા રહ્યા હતા.

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૫.૪૯ વાળા ઉંચામાં ૨૫.૭૬ થઈ ૨૫.૧૬થી ૨૫.૧૭ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૮ વાળા નીચામાં ૯૨૩ થઈ ૯૩૩થી ૯૩૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૦૭ વાળા નીચામાં ૯૭૫ થઈ ૯૮૯થી ૯૯૦ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો: 

રેકોર્ડ તેજી છતાં કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં આશ્ચર્ય 

- યુરોપમાં વ્યાજ દર ઘટવાની શક્યતાએ યુરોમાં પીછેહટ જોવા મળી હતી

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આરંભમાં તૂટયા પછી ફરી ઉછળ્યા હતા. શેરબજારમાં રેકોર્ડ તેજી છતાં કરન્સી બજારમાં રૂપિયાના ભાવ એકંદરે દબાણ હેઠળ રહેતાં બજારમાં આશ્ચર્ય બતાવાઈ રહ્યું હતું. ડોલરના ભાવ રૂ.૮૩.૩૦ વાળા આજે સવારે રૂ.૮૩.૨૬ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૩૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૩૬ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો આજે ૦.૦૭ ટકા ઘટયો હતો જ્યારે ડોલરના ભાવ છ પૈસા વધ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૩.૦૬ થયા પછી ઉંચામાં ૧૦૩.૫૨ થઈ ૧૦૩.૩૧ રહ્યાના નિર્દેશો હતા. ડોલરના ભાવ વિશ્વબજારમાં ઘટયા પછી વધી આવતાં તેની અસર ઘરઆંગણે કરન્સી બજાર પર જોવા મળી હતી.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૫ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૦૫.૭૧ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૫.૬૭ રહ્યા હતા. અમેરિકામાં જાહેર થનારા જોબગ્રોથના આંકડાઓ પર બજારની નજર રહી હતી. ત્યાં ફેડરલ રિઝર્વ દ્વારા આગળ ઉપર વ્યાજના દરમાં વૃધ્ધિના બદલે હવે પછી ઘટાડો કરવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. યુરોપમાં ફુગાવો ઘટયો છે. આના પગલે ત્યાં પણ આગળ ઉપર વ્યાજના દર ઘટવાની શક્યતા તજજ્ઞાો બતાવી રહ્યા હતા. 

બિટકોઈનમાં અત્યારસુધી 150 ટકા જેટલું વળતર 

19 મહિનાના ગાળા બાદ બિટકોઈન 41000 ડોલર 

માર્કેટ કેપ છેલ્લા ચોવીસ કલાકમાં વધી 1.54 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે

એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ ક્ષેત્ર તરફથી સારી માગ અને અમેરિકન ફેડરલ દ્વારા વ્યાજ દરમાં કપાત આવશે તેવી ધારણાં ફરી ઊભી થતાં મુખ્ય ક્રિપ્ટોસ બિટકોઈને સોમવારે ૪૧,૭૫૦ ડોલરની  સપાટી કુદાવી હતી, જે ૧૯ મહિનાની ઊંચી સપાટી છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં બિટકોઈન અત્યારસુધી ૧૫૦ ટકા ઊંચકાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનમાં ૨૨૦૦ ડોલરથી વધુનો ઉછાળો જોવાયો છે. 

ક્રિપ્ટોકરન્સીઝના વર્તમાન ઉછાળાને પગલે ક્રિપ્ટોકરન્સીઝની એકંદર માર્કેટ કેપ છેલ્લા ચોવીસ કલાકમાં વધી ૧.૫૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. 

અમેરિકામાં ફુગાવો ઘટી રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ આગામી વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શકયતા વધી ગઈ છે અને રોકાણકારો પણ  લાંબા ગાળાના રોકાણ તરફ આગળ વધી રહ્યા છે.

વ્યાજ દરમાં ઘટાડા ઉપરાંત બિટકોઈન ઈટીએફસને મંજુરીના કિસ્સામાં ક્રિપ્ટાકરન્સીઝમાં જોરદાર ઉછાળો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બિટકોઈન ઈટીએફસની મંજુરી મળવાથી રોકાણકારો શેરબજાર મારફત ક્રિપ્ટોમાં રોકાણ કરી શકશે અને મૂડી બજારમાં નાણાં રોકવાનો એક નવું માધ્યમ મળી રહેશે. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે, વ્યાજ દર હાલમાં સાનુકૂળ સ્તરે છે જેનું રોકાણકારો એવું તારણ કાઢી રહ્યા છે કે વ્યાજ દર હવે તેની ઊંચાઈએ  આવી ગયા છે જ્યાંથી ઘટાડાની શકયતા વધી ગઈ છે. 


Google NewsGoogle News