શેરબજારનો નવો રેકોર્ડ, સેન્સેક્સ-નિફ્ટી નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ, 1592 સ્ટોકમાં જોરદાર તેજી
Sensex-Nifty Updates | ભારતીય શેરબજારમાં છેલ્લાં કેટલાક સમયથી જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 405.84 પોઈન્ટ ઉછળી 80392.64ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 24401ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. રોકાણકારોની મૂડી રૂ. 1.19 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ 10.36 વાગ્યા સુધીમાં રૂ. 446.68 લાખ કરોડ પહોંચી છે.
બેન્કિંગ-ફાઈ. સર્વિસિઝના શેર્સમાં ધૂમ તેજી
બેન્કિંગ સેક્ટરની બેલેન્સ શીટમાં સુધારો તેમજ ગ્રોસ એનપીએ 12 વર્ષના તળિયે પહોંચી હોવાના અહેવાલના પગલે બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં ધૂમ તેજી જોવા મળી છે. આજે ફરી બીએસઈ ખાતે બેન્કેક્સ નવી 60720.76 પોઈન્ટ અને ફાઈ. સર્વિસિઝ 11680.75 પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. તદુપરાંત હેલ્થકેર ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સ્મોલેકપ અને મીડકેપ શેર્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. કોચિન શીપયાર્ડ, મઝગાંવ ડોક, હુડકો સહિતના પીએસયુ શેર્સ પણ 8 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.
1592 સ્ટોક્સમાં તેજી
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની અસર શેર્સમાં પણ દેખાઈ હતી. NSE પર ટ્રેડ કરી રહેલા 2418 સ્ટોક્સમાંથી 1592 શેર્સમાં તેજીનો આંખલો દોડી ગયો હતો. જ્યારે 762 સ્ટોક્સ એવા પણ હતા જેમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 110 સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી છે અને 23માં લોઅર સર્કિટ લાગી હતી.