શેરબજાર ઑલ ટાઈમ હાઈ, સેન્સેક્સે 78000ની સપાટી વટાવી અને નિફ્ટી નવી રેકોર્ડ ટોચે
Stock Market All Time High: ભારતીય શેરબજારમાં બે દિવસ વોલેટિલિટીમાં શુષ્ક માહોલ રહ્યા બાદ આજે ફરી પાછો આકર્ષક ઉછાળો નોંધાયો છે. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં તેજીના સથવારે આજે સેન્સેક્સ, નિફ્ટી સહિત બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝનો ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ થયો છે.
બપોરના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ખરીદીનું પ્રમાણ વધતાં તેમજ બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં આકર્ષક તેજીના પગલે સન્સેક્સ 78044.11ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ 23700ની સપાટી વટાવી 23710.45 થયો છે. આજે બીએસઈ ખાતે 299 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 293 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ માર્કેટ કેપ 435.82 લાખ કરોડ થયુ હતું. સેન્સેક્સ આજે 712.44 પોઈન્ટ ઉછાળા સાથે 78053.52 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 183.45 પોઈન્ટ ઉછળી 23721.30 પર બંધ રહ્યો હતો.
બેન્ક નિફ્ટી પ્રથમ વખત 52 હજાર ક્રોસ
બેન્ક નિફ્ટી આજે પ્રથમ વખત 52 હજારનું લેવલ ક્રોસ કરી સર્વોચ્ચ 52511.30ની ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝે પણ 1.51 ટકા ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચ બનાવી છે.એક્સિસ બેન્ક 2.66 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.28 ટકા અને એચડીએફસી બેન્ક 2.25 ટકા, તથા એસબીઆઈનો શેર 1.50 ટકા ઉછળ્યો છે. બીએસઈ બેન્કેક્સમાં સામેલ 9 સ્ક્રિપ્સ પૈકી માત્ર કેનેરા બેન્કનો શેર 0.47 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
મિડકેપ સ્ટોક્સ ડાઉન
સ્મોલકેપ, ટેલિકોમ્યુનિકેશન્સ, બેન્કેક્સ ઈન્ડેક્સ નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જ્યારે બીજી બાજુ મીડકેપ શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. રિયાલ્ટી, ઓટો, એફએમસીજી શેર્સમાં પણ વેચવાલીનું પ્રેશર વધ્યું છે. મિડકેપ ઈન્ડેક્સ 2.16 વાગ્યે 0.31 ટકા ઘટાડે 45994.86 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે અગાઉ 19 જૂને ઓલટાઈમ હાઈ થયો હતો. લોધા ડેવલપર્સ, ટ્રેન્ટ, મેક્સ હેલ્થ સહિત મિડકેપના જાણીતા શેર્સમાં રોકાણકારો પ્રોફિટ બુક કરતાં નજરે ચડ્યા છે.