શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ, સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, બેન્કિંગ શેર્સમાં આકર્ષક તેજી નોંધાઈ
Stock Market Today: અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા જઈ રહ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. બેન્કિંગ શેર્સમાં તેજીના સથવારે સેન્સેક્સ 646.96 પોઈન્ટ ઊછળ્યો છે. જ્યારે નિફ્ટી 150 પોઈન્ટથી વધુના ઊછાળા સાથે 23376.50 પર પહોંચ્યો હતો.
સેન્સેક્સ પેકમાં સામેલ કોટક બેન્ક આજે 9 ટકાથી વધુ ઉછળ્યો છે. બજાજ ફાઈનાન્સ 3.19 ટકા, એનટીપીસી 2.79 ટકા, એસબીઆઈ 2.44 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. એચડીએફસી બેન્કમાં પણ વોલ્યૂમ વધ્યા છે. રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી છે. જ્યારે બીજી તરફ આઈટી શેર્સમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. ટીસીએસ 0.74 ટકા, ટેક મહિન્દ્રા 0.23 ટકા અને ઈન્ફોસિસ 0.15 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
શેરબજારમાં સાર્વત્રિક લેવાલીના માહોલ સાથે બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 4042 શેર પૈકી 2307 સુધારા તરફી અને 1548 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 283 શેરમાં અપર સર્કિટ વાગી છે. જ્યારે 99 શેર વર્ષની ટોચે પહોંચ્યા છે. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હોવાનો સંકેત આપે છે. નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિક માટે મોટાભાગે સકારાત્મક પરિણામો જાહેર થઈ રહ્યા છે. અમેરિકામાં પણ ફુગાવો ઘટ્યો છે. અને રોજગારીના ડેટા મજબૂત બન્યા છે. બીજી તરફ આગામી મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં મધ્યમવર્ગ, આવકવેરા સંબંધિત મોટા સુધારાઓ થવાની અપેક્ષા વધી છે. આગામી સમયમાં આ પરિબળોની અસર શેરબજાર પર જોવા મળી શકે છે.