શેરબજારમાં સુધારો, સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ ઉછળ્યો, અદાણીના શેર્સમાં આજે પણ ગાબડું
Stock Market Today: પીએસયુ, IT અને રિયાલ્ટી સેક્ટર્સમાં લેવાલીના પગલે આજે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સુધારા તરફી ખુલ્યા બાદ 838.81 પોઇન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 23400નું લેવલ પરત મેળવતાં 23608.95ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ અદાણી ગ્રૂપ પર રૂ. 2000 કરોડના કૌભાંડનો આરોપ મૂકાતાં શેર્સ આજે બીજા દિવસે પણ તૂટ્યા છે.
સવારે 10.42 વાગ્યે નિફ્ટી 50 190.30 પોઇન્ટ ઉછળી 23540.20 પર જ્યારે સેન્સેક્સ 640.08 પોઇન્ટ ઉછળી 77795.89 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં એસબીઆઇ 2.32 ટકા ઉછાળા સાથે ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ 1.59 ટકા, એક્સિસ બૅન્ક 0.52 ટકા, એચડીએફસી બૅન્ક 0.36 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.08 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3724 શેર્સ પૈકી 2255 સુધારા તરફી અને 1302 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય 229 શેર્સમાં અપર સર્કિટ જ્યારે 131 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. જો કે, 80 શેર્સ વર્ષના તળિયે અને 225 શેર્સમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી હતી.
આ પણ વાંચોઃ અદાણીની કંપનીઓને એક જ દિવસમાં બે લાખ કરોડથી વધુનું નુકસાન, મૂડી'સે ક્રેડિટ નેગેટિવ કરી
આઇટી શેર્સમાં ઉછાળો
ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રોના શેર્સમાં વોલ્યુમ વધતાં આઇટી ઇન્ડેક્સ 1.50 ટકા અર્થાત્ 624.88 પોઇન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. રિયાલ્ટી ઇન્ડેક્સ 1.86 ટકા અને પીએસયુ 1.13 ટકા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
અદાણીના શેર્સ આજે પણ કડડભૂસ
ગૌતમ અદાણીની ગ્રીન એનર્જી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપો મૂકાયા બાદ શેર્સ કડડભૂસ થયા છે. ગઈકાલે 20 ટકા સુધીના ઘટાડા બાદ આજે પણ અદાણી એનર્જી, અદાણી ગ્રીનના શેર્સ 6 ટકા સુધી તૂટ્યા હતા. જ્યારે એસીસી અને અંબુજા સિમેન્ટ અનુક્રમે 2.68 ટકા, 3.10 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ 2.09 ટકા, અદાણી પૉર્ટ્સ 1.43 ટકા, અદાણી પાવર 1.10 ટકા, અદાણી વિલમર 1.70 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.