Stock Market: સેન્સેક્સ 639 અને નિફ્ટી 120 પોઈન્ટ વધ્યો, 3773માંથી 2585 શેરોમાં સુધારાની ચાલ
Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહની શરૂઆત સુધારા સાથે કરી છે. સેન્સેક્સ આજે સુધારા સાથે ખૂલ્યા બાદ તુરંત જ 639.85 પોઈન્ટ ઉછળી 73728.18ની ટોચે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડે કુલ 3773માંથી 2585 સ્ક્રિપ્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહી છે. જ્યારે 991માં ઘટાડો નોંધાયો છે. ઈન્ફ્રા અને પ્રાઈવેટ બેન્કોના શેરોમાં મોટાપાયે ખરીદી જોવા મળી છે. મીડકેપ અને સ્મોલકેપ શેરો પણ સુધારા તરફી આગેકૂચ કરી રહ્યા છે.
નિફ્ટી પણ 22336.90ની સપાટીએ ખૂલ્યા બાદ વધી 22337.10 થયો હતો. 11.07 વાગ્યે નિફ્ટી 120.20 અને સેન્સેક્સ 405.38 પોઈન્ટના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 11.12 વાગ્યા સુધીમાં સેન્સેક્સ પેકની 195 સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી હતી. જ્યારે 11માં વાર્ષિક તળિયું નોંધાયું હતું. 304 સ્ક્રિપ્સ અપર સર્કિટ અને 187 શેરો લોઅર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
સુધારા પાછળનું કારણ
મધ્ય-પૂર્વીય તણાવ ઠંડા પડતાં નજરે ચડ્યા છે. બીજી બાજુ સ્થાનીય સ્તરે ટોચની આઈટી કંપનીઓએ અપેક્ષા કરતાં મજબૂત પરિણામો જારી કરતાં કોર્પોરેટ કમાણી સકારાત્મક રહેવાનો આશાવાદ વધ્યો છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે હાલ કોઈ નવી અપડેટ્સ જોવા મળી નથી. જે મામલો થાળે પડી રહ્યો હોવાનો સંકેત આપે છે. પરિણામે એશિયન બજારોમાં પણ સુધારો નોંધાયો છે.
આગામી મોટી ઈવેન્ટ્સ
આ સપ્તાહે અમેરિકાના ગ્રોથ ડેટા અને ફેડ રિઝર્વ દ્વારા ફુગાવાની નવી આંકરણી પર રોકાણકારોની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા અને મલેશિયાના પણ ફુગાવા સંબંધિત આંકડાઓ આ સપ્તાહે જારી થશે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સ અનુસાર, S&P 500ની ટોચની સાત કંપનીઓ એપલ, માઈક્રોસોફ્ટ, આલ્ફાબેટ, એમેઝોન, ટેસ્લાએ પ્રથમ ત્રિમાસિકમાં 38 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. દેશની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના Q4 અને FY24ના પરિણામો આજે જાહેર થશે.