NDAની સરકાર બનવાનું નિશ્ચિત થતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, મૂડીમાં 13 લાખ કરોડનો વધારો
Stock market today: લોકસભા ચૂંટણી 2024માં એનડીએને ટીડીપીએ સમર્થન આપતાં તેમજ જેડીયુનું પણ સંપૂર્ણપણે સહકાર આપવાની ખાતરી મળતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સે ફરી પાછી 74 હજારની સપાટી પાછી મેળવી લીધી છે. નિફ્ટી પણ 22500નું લેવલ ક્રોસ કરી મજબૂતી સાથે આગેકૂચ કરી છે.
ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, 'ટીડીપી મજબૂતપણે એનડીએ સાથે છે.' બપોરના ટ્રેડિંગ સેશનમાં બીએસઈ સેન્સેક્સ 2000 પોઈન્ટ ઉછાળા સાથે 74000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. સેશનના અંતે સેન્સેક્સ 2303.19 પોઈન્ટ ઉછળી 74382.24 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 22670.40ના ઈન્ટ્રા ડે હાઈ લેવલ સાથે 735.85 પોઈન્ટ ઉછાળી 22620.35 પર બંધ રહ્યો હતો.
રોકાણકારોની મૂડીમાં 13 લાખ કરોડની રિકવરી
સેન્સેક્સમાં ગઈકાલે 4300 પોઈન્ટના ગાબડાં સાથે રોકાણકારોને 31.26 લાખ કરોડનું નુકસાન થયું હતું. જેમાંથી આજે 13.23 લાખ કરોડ રિકવર થઈ ગયા છે. બીએસઈ માર્કેટ કેપ 408.04 લાખ કરોડ નોંધાયુ છે. શેરબજારમાં આજે સાર્વત્રિક સુધારાનો માહોલ જોવા મળ્યો છે.
ભાજપ ફરી સત્તા પર રહેવાની સ્પષ્ટતા સાથે ખરીદી વધીએનડીએ અને જેડીયુનું સમર્થન મળવાની ખાતરી અને એનડીએની ફરી પાછી સરકાર બનવા મામલે સ્પષ્ટતા થયા બાદ થોડી જ મિનિટોમાં બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 48,000 ની ઇન્ટ્રાડે ઉચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. ટીડીપીના નેતા એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે તેઓ નિશ્ચિતપણે એનડીએ સાથે છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશના મતદારોએ વધુ સારા આંધ્ર માટે અમને સહકાર આપ્યો છે, અને TDP અને ભાજપ બંને મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા સાથે મળીને કામ કરશે.