શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, 2386 શેર્સ ગ્રીન ઝોનમાં
Stock Market Today: મજબૂત વૈશ્વિક પરિબળોના પગલે આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ 882.34 પોઈન્ટ ઉછળી 79988.22ના લેવલે પહોંચ્યો હતો. જે બપોરના સેશનમાં 1040 પોઈન્ટ સુધી વધ્યો હતો. નિફ્ટી પણ 2450ની અતિ મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. 4 .23 લાખ કરોડ વધી હતી.
અમેરિકાનો ફુગાવો 3 વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બની છે. જેનો ટેકો ઈક્વિટી બજારને મળ્યો છે. અમેરિકી, યુરોપ અને એશિયન બજારોમાં સુધારો નોંધાયો છે. સેન્સેક્સ આજે 79000ના લેવલે ખૂલ્યા બાદ વધી ફરી પાછુ 80000નું લેવલ ક્રોસ કર્યું હતું. સેન્સેક્સ 1.20 વાગ્યે 970.13 પોઈન્ટ ઉછળી 80076.01 પર અને નિફ્ટી 309.55 પોઈન્ટ ઉછાળા સાથે 24453.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
2386 શેર્સ સુધારા તરફી
બીએસઈ ખાતે ટ્રેડેડ 3961સ્ક્રિપ્સ પૈકી 2386 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1447 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 177 શેર્સ વર્ષની ટોચે અને 39 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 261 શેર્સમાં અપર સર્કિટ અને 241શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં સાર્વત્રિક ઉછાળાનો માહોલ જોવા મળ્યો છે. કેપિટલ ગુડ્સ 1.37, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.10 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.29 ટકા, મીડકેપ 1.34 ટકા, સ્મોલકેપ 1.40 ટકા, પીએસયુ 1.13 ટકા, ટેક્નોલોજી 1.91 ટકા ઉછળ્યો છે.
જિઓજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, અમેરિકામાં મંદીની ભીતિના વાદળો વચ્ચે વૈશ્વિક સ્તરે 5 ઓગસ્ટથી વેચવાલીનું પ્રમાણ વધ્યું હતું. જો કે, અમેરિકા દ્વારા જારી ફુગાવાના આંકડાઓએ રાહત આપતાં મંદીના વાદળો દૂર થયા છે. લેબર માર્કેટ પણ સુધારા તરફી આગળ વધી રહ્યું છે. જેથી ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શરૂઆત થવાના અંદાજ સાથે વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.