શેરબજાર રિકવરી મોડ પર, સેન્સેક્સ 1772 પોઈન્ટ ઉછળ્યો, બેન્કિંગ-પીએસયુ શેરોમાં નેગેટિવ ટ્રેન્ડ
Stock Market Today: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ એક્ઝિટ પોલ અને રોકાણકારોની આશાઓ પર પાણી ફેરી વળતાં શેરબજારમાં ગઈકાલે 4300 પોઈન્ટના કડાકા બાદ આજે સેન્સેક્સ 948 પોઈન્ટ ઉછાળા સાથે 73027.88ની સપાટીએ ખૂલ્યો હતો. જે નીચામાં 199.61 પોઈન્ટ તૂટી 71879.44 થયો હતો. 11.00 વાગ્યે 1067.29 પોઈન્ટના ઉછાળા સાથે 73146.34 પર ટ્રેડ થઈ રહ્યો છે.
12.00 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1772 પોઈન્ટ ઉછળી 73851.09ના ઈન્ટ્રા ડે હાઈ લેવલે પહોંચ્યો છે. 12.15 વાગ્યે સેન્સેક્સ 1441.37 પોઈન્ટ ઉછળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 400 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 22500 નજીક પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડી 7.48 લાખ કરોડ વધી છે. નિફ્ટીએ પણ 22000ના અપ લેવલે ખૂલ્યા બાદ વધી 22131.60 થયા બાદ 12.15 વાગ્યે 428.35 પોઈન્ટ ઉછાળા સાથે 22312.85 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી-50ના 45 સ્ટોક્સ સુધારા તરફી અને 5 સ્ટોક્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ માર્કેટ કેપ 402.34 લાખ કરોડ થયુ હતું.
બીએસઈ ખાતે આજે 448 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી, જ્યારે 90 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. 88 શેર્સ વર્ષની ટોચે અને 95 શેર્સ વર્ષના તળિયે પહોંચવાની સાથે કુલ ટ્રેડેડ 3650 શેર્સમાંથી 1658 શેર્સ સુધારા તરફી અને 1853 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
પીએસયુ શેર્સમાં 11 ટકા સુધીનો કડાકો
એનડીએ સરકારનો 400 પારનો ટાર્ગેટ 300 બેઠક પણ લાવવામાં નિષ્ફળ રહેતાં બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ 3 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. એન્જિનિયર્સ ઈન્ડિયા, બીડીએલ, કોચીન શિપયાર્ડ, એનબીસીસી, હિન્દુસ્તાન એરોનોટિક્સ સહિતના શેર્સ 5થી 11 ટકા સુધી તૂટ્યા છે.
એફએમસીજી શેરોમાં તેજી
બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ આજે 6.39 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સેગમેન્ટના શેરો 16 ટકા સુધી ઉછળ્યા છે. એફએમસીજી ઈન્ડેક્સમાં સામેલ કુલ 83 શેર્સમાંથી 73માં સુધારો અને 10માં ઘટાડો જોવા મળ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, ઈમામી લિ., જ્યોતિ લેબ્સ, ઝાયડસ વેલનેસ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. ઉલ્લેખનીય છે, ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં ઉપરાંત સાર્વત્રિક વેચવાલીના પ્રેશર વચ્ચે એક માત્ર એફએમસીજી શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.