સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો દોર જારી, બેન્કિંગ-પીએસયુ શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી
Stock Market Today: ભારતીય શેરબજારે ગઈકાલે ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. સેન્સેક્સ આજે નીચા મથાળે ખૂલ્યા બાદ ઘટી 81230.44 થયો હતો. જો કે, બાદમાં 195.68 પોઈન્ટ ઉછળી 81551.52 થયો હતો. નિફ્ટી પણ 24900ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહેવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
11.00 વાગ્યે સેન્સેક્સ 307.45 પોઈન્ટ ઉછાળે 81663.15 પર, જ્યારે નિફ્ટી 96.80 પોઈન્ટ ઉછળી 24932.90 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડ 3.86 ટકા, એનટીપીસી 3.71 ટકા, ટાટા મોટર્સ 2.95 ટકા, એશિયન પેઈન્ટ્સ 2.39 ટકા અને બજાજ ફિનસર્વ 1.69 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યા હતા. બીજી બાજુ અલ્ટ્રા ટેક સિમેન્ટ, ટીસીએસ, મહિન્દ્રા અને એચસીએલ ટેક્ના શેર્સ 2 ટકા સુધી ઘટ્યા છે.
આ સેગમેન્ટના શેર્સમાં આજે તેજી
સેક્ટરોલ ઈન્ડેક્સમાં પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને પાવર સેક્ટરના શેર્સમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. પીએસયુ ઈન્ડેક્સ આજે 1.29 ટકા, એનર્જી 1.43 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.64 ટકા તથા પાવર ઈન્ડેક્સ 2.29 ટકા ઉછળ્યો છે. સરકારી કંપનીઓના શેર્સમાં ધૂમ ખરીદી નોંધાઈ છે. એમએમટીસી 9.31 ટકા, બીપીસીએલ 5.02 ટકા, કોચિન શીપયાર્ડ 4.36 ટકા, એનટીપીસી 3.85 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્કિંગ શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી અને ઉંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.
આ પણ વાંચોઃ તહેવારો ટાણે ગૃહિણીઓનું બગડશે બજેટ, કપાસિયા તેલના ભાવમાં ઉછાળો આવવાના એંધાણ
276 શેર્સ વર્ષની ટોચે
મોર્નિંગ સેશનમાં બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધી કુલ ટ્રેડેડ 3791 પૈકી 2328 શેર્સમાં સુધારો અને 1319માં ઘટાડો જોવા મળ્યો છે. આજે વધુ 276 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે. 281 શેર્સમાં અપર સર્કિટ અને 140 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. 9 શેર્સ વર્ષના તળિયે નોંધાયા છે. રોકાણકારોની મૂડી વધુ રૂ. 1 લાખ કરોડ વધી છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.