બજેટ પૂર્વે શેરબજારમાં વોલેટિલિટી વધી, રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડનો વધારો
Stock Market Today: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ પૂર્વે રજૂ થનારા આર્થિક સર્વેક્ષણ પર સૌ કોઈ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરિણામે ભારતીય શેરબજારની શરૂઆત નેગેટીવ ઝોનમાં રહી હતી. સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટાડે ખૂલ્યા બાદ વધી 80770.37 પર પહોંચ્યો હતો. પીએસયુ અને બેન્કિંગ શેર્સમાં ખરીદી વધી છે. સ્ટોક સ્પેસિફિક તેજી વચ્ચે રોકાણકારોની મૂડી આજે રૂ. 3 લાખ કરોડ વધી છે.
શેરબજાર ઘટાડે ખૂલ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પહોંચી નિવેદન આપ્યું હતું કે, આ વખતનું સંસદ સકારાત્મક રહેશે. જેથી બજેટમાં અપેક્ષિત માગ પૂરી થવાના આશાવાદ સાથે 10.36 વાગ્યે સેન્સેક્સ 127.32 પોઈન્ટ ઉછળી 80731.97 પર, જ્યારે નિફ્ટી 32.05 પોઈન્ટ ઉછળી 24562.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX 2.05 ટકા ઉછાળે 15.13 પર ટ્રેડેડ હતો.
આવતીકાલે 23 જુલાઈએ નાણા મંત્રી કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરવાના છે. રોકાણકારો હાલ શેરબજારમાં વોલેટિલિટી સાથે ડિસ્કાઉન્ટમાં શેર્સ ખરીદવાની તક જોઈ રહ્યા છે. ગિફ્ટી નિફ્ટી ઈન્ડેક્સ 24416 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે 3888 સ્ક્રિપ્સ પૈકી 2340 ગ્રીન ઝોનમાં, જ્યારે 1347 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. 131 શેર્સ વર્ષની ટોચે અને 33 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ નિકાસમાં 3 ટકાનો ઘટાડો
સેન્સેક્સ પેકમાં રિલાયન્સનો શેર ટોપ લૂઝર
સેન્સેક્સ પેકમાં સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી એનટીપીસી 2.92 ટકા, એચડીએફસી બેન્ક 2.59 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.21 ટકા, પાવરગ્રીડ 2.15 ટકા અને ટાટા સ્ટીલ 1.52 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ 2.76 ટકા, કોટક બેન્ક 2.55 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.89 ટકા, આઈટીસી 0.74 ટકા, અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.68 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.