સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી નવી સર્વોચ્ચ ટોચે, રિયાલ્ટી શેર્સમાં ખરીદી વધી
Stock Market Today: શેરબજારમાં ધીમા ધોરણે તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓના શેર્સમાં ખરીદી વધતાં રિયાલ્ટી ઈન્ડેક્સ આજે 1 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ બ્રેડ્થ પણ પોઝિટીવ જોવા મળી છે.
સેન્સેક્સ આજે ફરી નવી 82637.03ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી 25258.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવી 11.10 વાગ્યે 77.75 પોઈન્ટના ઉછાળા સાથે 25229.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 256.55 પોઈન્ટ ઉછાળે કારોબાર થઈ રહ્યો છે.
આ શેર્સમાં આકર્ષક તેજી
આજે એનર્જી, ટેલિકોમ્યુનિકેશન્સ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. એનર્જી ઈન્ડેક્સ 14029.33, ટેલિકોમ્યુનિકેશન્સ 3334.55, અને ઓઈલ એન્ડ ગેસ 33282.92ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શેરદીઠ 1 શેર બોનસની જાહેરાતના પગલે વોલ્યૂમ વધ્યા છે. જો કે, આજે શેર 0.49 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કિંગ સ્ટોક્સમાં પણ ખરીદીનું પ્રમાણ વધ્યું છે. માર્કેટ નિષ્ણાતોએ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો માહોલ જળવાઈ રહેવાનો સંકેત આપ્યો છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શરૂઆતના તીવ્ર શક્યતાઓ વચ્ચે આઈટી અને ટેક્નોલોજી શેર્સ પણ સુધર્યા છે.
11.20 વાગ્યે રિયાલ્ટી ઈન્ડેક્સ 1.26 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ ઈન્ડેક્સ 1.00 ટકા, હેલ્થકેર 1.05 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3867 શેર્સ પૈકી 2253 શેર્સમાં સુધારો અને 1484માં ઘટાડે કારોબાર થઈ રહ્યા છે. 229 શેર્સ વર્ષની નવી ટોચે અને 232 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. બીજી બાજુ 14 શેર્સ વર્ષના તળિયે અને 227 શેર્સમાં લોઅર સર્કિટ જોવા મળી હતી.