સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ફ્લેટ મોડમાં, બીજુ સેશન થોડી વારમાં શરૂ થશે
Stock Market Special Trading Session: ભારતીય શેરબજાર આજે શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ફ્લેટ રહ્યા હતા. સવારે 9.15થી 10 વાગ્યાના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 42.6 પોઈન્ટ અને નિફ્ટી 15.80 પોઈન્ટના નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. હવે બીજુ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 11.30 વાગ્યે શરૂ થશે. જે 12.30 વાગ્યા સુધી ચાલશે.
સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજવા પાછળનું કારણ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વિચઓવર કરવાની પ્રક્રિયા છે. અર્થાત, 21 મેના રોજ મુંબઈમાં લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી શેરબજાર બંધ છે. જેના ભાગરૂપે આજે શેરબજારમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશન યોજાયુ છે.
માર્કેટ કેપ આજે ફરી નવી રેકોર્ડ ટોચે
શેરબજારમાં સાર્વત્રિક સુધારાના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી આજે વધુ 2 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ 412.09 લાખ કરોડની રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3296 સ્ક્રિપ્સમાંથી 2315માં સુધારો અને 861માં ઘટાડો નોંધાયો છે. 166 શેરો વર્ષની ટોચે અને 266 શેરોમાં અપર સર્કિટ વાગી છે.
મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર સહિતના શેરોમાં તેજી
મુખ્ય 13 સેક્ટોરલ ઈન્ડાઈસિસમાંથી આજે મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. પોઝિટીવ ત્રિમાસિક પરિણામો તેમજ વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. ગઈકાલે વિદેશી રોકાણકારોએ લગભગ એક મહિના બાદ ભારતીય ઈક્વિટી બજારમાં રૂ. 1616.79 કરોડની ખરીદી નોંધાવી છે. ડીઆઈઆઈએ ગઈકાલે 1556.25 કરોડનું રોકાણ કર્યું હતું.