Stock Market Today: ભારતીય શેરબજારમાં સળંગ ચોથા દિવસે ઘટાડો, નિફ્ટીએ સપોર્ટ લેવલ તોડ્યું
Stock Market Today: એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત ખાનગી બેન્કોના શેરોમાં ગાબડું તેમજ સ્ટોક સ્પેસિફિક પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેક્સ સળંગ ચોથા દિવસે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીએ પણ તેનું 22200નું સપોર્ટ લેવલ તોડ્યું છે.
સેન્સેક્સ આજે 73225ના સ્તરે ખૂલ્યા બાદ ઘટી 73073.92 થયો હતો. 10.54 વાગ્યે 375.17 પોઈન્ટના ઘટાડે 73139.17 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ ઘટાડે ઓપનિંગ કર્યા બાદ 22185.20ના લો લેવલ નોંધાવ્યા હતા. બાદમાં 97.85 પોઈન્ટ તૂટી 22204.65 પર કારોબાર થઈ રહ્યો છે.
શેરબજારમાં છેલ્લા થોડા ટ્રેડિંગ સેશનથી પ્રોફિટ બુકિંગનું વલણ વધ્યું છે. આરબીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ અને અન્ય સંબંધિત બાબતોમાં આકરાં વલણની અસર આજે ખાનગી બેન્કોના શેરો પર જોવા મળી છે. એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં 2 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે.
બીજી બાજુ લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં ભાજપના ગઢમાં ઓછું મતદાન નોંધાતા એનડીએની સીટ્સ ઘટી 320-330 રહેવાના અહેવાલો બજારમાં ફરતાં થતાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે. એનાલિસ્ટ અંબરીશ બાલિગાના મતે ચૂંટણીના અપેક્ષિત પરિણામો નોંધાવાની શક્યતા સાથે શોર્ટ ટર્મ વોલેટિલિટી રહેવાનો અંદાજ આપ્યો છે. જો એનડીએની સીટ્સ અપેક્ષા કરતાં ઘટે તો માર્કેટમાં મોટુ કરેક્શન આવી શકે છે.
એન્જલ વનના ટેક્નિકલ એનાલિસ્ટ રાજેશ ભોસલેએ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ 22400-22480 અને સપોર્ટ લેવલ 22200-22150 આપ્યો છે.
બીએસઈ ખાટે ટ્રેડેડ સ્ક્રિપ્સની સ્થિતિ
- કુલ 3619માંથી 1946 સ્ક્રિપ્સ સુધારા અને 1509 ઘટાડે ટ્રેડેડ
- 112 શેરો વર્ષની ટોચે અને 22 શેરો 52 વીક લો લેવલ નોંધાવ્યું
- 193 સ્ક્ર્પિસમાં અપર સર્કિટ અને 208 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી
- બીએસઈ માર્કેટ કેપ 399.11 લાખ કરોડ થયું 11.00 વાગ્યા સુધીમાં