સેન્સેક્સ 423 પોઈન્ટ તૂટ્યો, 200 શેરોમાં લોઅર સર્કિટ, જાણો શું છે સ્ટોક માર્કેટની સ્થિતિ
Image: IANS |
Stock Market Today: દેશનો ઈન્ડિયા VIX ઈન્ડેક્સમાં રેકોર્ડ ઉછાળાના પગલે શેરબજારોમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ 74 હજારની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ બાદમાં સતત ઘટાડો નોંધાતાં 10.41 વાગ્યે 422.66 પોઈન્ટ તૂટી 73474 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 119.65 પોઈન્ટ તૂટી 22323.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન છે. ગાઝા સીઝફાયરના પગલે મધ્ય-પૂર્વમાં ફરી પાછો તણાવ વધ્યો છે. સ્થાનિક સ્તરે પણ માર્કેટ ઓવરવેલ્યૂ બનતાં રોકાણકારો હવે પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. સામાન્ય રીતે લોકસભા ચૂંટણી દરમિયાન વોલેટિલિટી જોવા મળતી જ હોય છે.
206 શેરોમાં લોઅર સર્કિટ વાગી
બીએસઈ ખાતે આજે 206 શેરોમાં 5 ટકા સુધી લોઅર સર્કિટ વાગી હતી. 184 શેરોમાં અપર સર્કિટ સાથે 157 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે ટ્રેડેડ 3636 સ્ક્રિપ્સમાંથી 1203 સુધારા અને 2286 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. રોકાણકારોની મૂડી 3.39 લાખ કરોડ તૂટી છે.
સ્મોલકેપ મીડકેપ 1 ટકાથી વધુ તૂટ્યા
સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં આજે 1 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. મેરિકો 8.57 ટકા, ડાબર 5.83 ટકા, હિન્દુસ્તાન યુનિલીવર 4.74 ટકા સુધારા સાથે એફએમસીજી ઈન્ડેક્સ 2.24 ટકા ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. એફએમસીજી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.