Stock Market Today: સેન્સેક્સ 420 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 22650ની ટેકાની સપાટી તોડી
Stock Market Today: ભારતીય શેરબજારો આજે વૈશ્વિક બજારોના સથવારે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ સેન્સેક્સ 148.51 પોઈન્ટના ઘટાડે 74889.64ના સ્તરે ખૂલ્યા બાદ વધી 74951.88 થયા બાદ સતત ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. 10.18 વાગ્યે 420.11 પોઈન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી પણ 113.25 પોઈન્ટ તૂટી 22640.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બીએસઈ સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 7 સ્ક્રિપ્સ 1 ટકા સુધી સુધારા તરફી અને 23માં 2.51 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહી હતી. 10.18 વાગ્યા સુધીમાં 138 શેરો વર્ષની ટોચે અને 6 વર્ષના તળિયે ટ્રેડ થઈ રહ્યા હતા. 184 શેરોમાં અપર સર્કિટ, જ્યારે 215માં લોઅર સર્કિટ વાગી છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાને આર્બિટ્રેજના લાભો ન આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી શેર આજે 12.74 ટકા ઘટી ટોપ લુઝર બન્યો હતો.
ફાઈનાન્સિયલ-બેન્કેક્સમાં ઘટાડો
સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે ઓટો, યુટિલિટી, એનર્જી, કેપિટલ ગુડ્સ, પાવર સિવાયના તમામ સેક્ટર્સમાં 0.01 ટકાથી 0,90 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્કેક્સ ઈન્ડેક્સ 0.67 ટકા ઘટ્યો છે. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.81 ટકા ઘટાડે ટ્રેડેડ છે.
ઘટાડા પાછળનું કારણ
અમેરિકાના ફુગાવામાં વૃદ્ધિ અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા જિઓ-પોલિટિકલ તણાવના કારણે વૈશ્વિક બજારો ઘટ્યા છે, તેમજ માર્કેટમાં વોલ્યૂમ ઓવર વેઈટ થઈ રહ્યા છે, જેના પગલે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીના મોટાભાગના શેરોમાં ઓવર વોલ્યૂમ નોંધાયા છે. જેથી કરેક્શન જોવા મળ્યું છે.
નિષ્ણાતોની નજરે
શેરબજારોએ સપ્તાહની શરૂઆતમાં સતત તેજી સાથે નવી ઐતિહાસિક ટોચ બનાવી છે. આ ટોચથી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. માર્કેટમાં એકાદ કરેક્શન જોવા મળી શકે છે. બીજી બાજુ એડીબી, વર્લ્ડ બેન્ક, સહિતની ટોચની રિસર્ચ ફર્મે ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત હોવાના અંદાજો આપ્યા છે. વૈશ્વિક પડકારોને બાદ કરતાં એકંદરે સ્થાનીય માર્કેટમાં તેજી રહી શકે છે.