શેરબજારમાં સાર્વત્રિક સુધારોઃ સેન્સેક્સ 75 હજાર ક્રોસ, નિફ્ટી 23000 નજીક, પીએસયુ-એનર્જી સહિતના શેરોમાં આકર્ષક ઉછાળો
Stock Market Today: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ એનડીએ સતત ત્રીજી ટર્મમાં સરકાર બનાવશે તેની ખાતરી થવાની સાથે રોકાણકારોમાં રાહત જોવા મળતી નજરે ચડી છે. સેન્સેક્સ આજે 10.18 વાગ્યા સુધીમાં 696.46 પોઈન્ટના ઉછાળા સાથે 75000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 23000ની સપાટી નજીક પહોંચ્યો છે.
10.30 વાગ્યે સેન્સેક્સ 726.46 પોઈન્ટના ઉછાળા સાથે 75108.40 પર, જ્યારે નિફ્ટી 226.55 પોઈન્ટના ઉછાળા સાથે 22846.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી-50માં ટ્રેડેડ 35 સ્ટોક્સ સુધારા તરફી અને 15 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
રોકાણકારોની ખોટ લગભગ સરભર થવાની સ્થિતિ
લોકસભા ચૂંટણીનું 4 જૂને પરિણામ બજારની અપેક્ષા કરતાં વિપરિત જાહેર થતાં શેરબજારને મોટો આચંકો લાગ્યો હતો. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 6300 પોઈન્ટ અને નિફ્ટી પણ 1700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. રોકાણકારોના એક દિવસમાં જ 32 લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા હતા. જો કે, છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત લગભગ તમામ સેક્ટર્સના શેર્સમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું છે. આજે રોકાણકારોની મૂડી સમાચાર લખાયા ત્યાં સુધીમાં રૂ. 8.44 લાખ કરોડ વધી છે. ગઈકાલે બુધવારે 13 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
આ શેરોમાં તેજી
સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3629 સ્ક્રિપ્સમાંથી 2863 ગ્રીન ઝોનમાં અને 617 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. 223 શેરોમાં અપર સર્કિટ અને 148 શેરોમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. પીએસયુ શેરોમાં સાર્વત્રિક સુધારાની ચાલ જોવા મળી હતી. ભેલ 13.63 ટકા, મઝગાંવ ડોક 12.25 ટકા, કોચિન શિપયાર્ડ 10 ટકા, ઈરકોન 10.98 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ પાવર, બીએસઈ રિયાલ્ટી, બીએસઈ એનર્જી, કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 4 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા તૂટ્યો
ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ ગઈકાલે 50 ટકા સુધી તૂટ્યા બાદ આજે વધુ 6 ટકા ઘટાડે 17.76 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે માર્કેટમાં ધીમા ધોરણે સ્થિરતા આવવાની શક્યતા દર્શાવે છે. વૈશ્વિક સ્તરે પણ અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની તીવ્ર શક્યતાના પગલે યુએસ ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. જે વિદેશી રોકાણ વધવાની શક્યતા દર્શાવે છે. ગઈકાલે એફઆઈઆઈએ રૂ. 5656.26 કરોડની વેચવાલી નોંધાવી હતી, સામે ડીઆઈઆઈએ રૂ. 4555.08 લાખ કરોડની ખરીદી કરી હતી.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.