શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડથી વધુ ઘટી, જાણો કારણ
Stock Market Today: વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. ગઈકાલે ઓલટાઈમ હાઈ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ તેમજ અમેરિકાના પીએમઆઈ અને બેરોજગારીના નબળા આંકડાઓના કારણે સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે.
આજે સેન્સેક્સ 10.34 વાગ્યે 804.61 પોઈન્ટ તૂટી 81062.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે ખૂલતાંની સાથે મોટા કડાકા સાથે 81000નું લેવલ ગુમાવ્યું હતું. સેન્સેક્સ પેકમાં એચડીએફસી બેન્ક, સન ફાર્મા, કોટક ફાર્મા અને હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ 1.25 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા હતા. તે સિવાયના 26 શેર્સમાં 4 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. અમેરિકાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અપેક્ષા કરતાં વધુ ઘટ્યો છે. જે જૂનમાં 48.5ના લેવલથી ઘટી જુલાઈમાં 46.8 નોંધાયો છે, તેમજ બેરોજગારીના દરમાં પણ 0.1 ટકાનો વધારો નોંધાતાં અમેરિકી, યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. જેના સથવારે એશિયન બજારો પણ શુષ્ક રહ્યા છે.
નિફ્ટી 25000નું લેવલ જાળવવામાં નિષ્ફળ
નિફ્ટીએ ગઈકાલે 25078.30ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 25000 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. પરંતુ આજે આ લેવલ જાળવી શક્યો નહીં. ઓપનિંગ સેશનમાં જ 24789 પર ખૂલ્યા બાદ નિફ્ટી 10.36 વાગ્યે 213.55 પોઈન્ટ તૂટી 24797.35ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી ખાતે સાત સ્ક્રિપ્સ સુધારા તરફી અને 43 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી.
સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં સાર્વત્રિક વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. હેલ્થકેર ઈન્ડેક્સ 0.03 ટકાના ફ્લેટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય મેટલ, પીએસયુ, આઈટી, રિયાલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ સહિતના ઈન્ડેક્સ 1થી 2 ટકા ઘટાડે ટ્રેડેડ છે.
રોકાણકારોની મૂડી 3.23 લાખ કરોડ ઘટી
શેરબજારમાં પ્રોફિટ બુકિંગ અને કરેક્શનના માહોલ વચ્ચે આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં રોકાણકારોની મૂડી રૂ. 3.23 લાખ કરોડ ઘટી હતી. સેન્સેક્સ પેકની 3744 શેર્સ પૈકી 1446 શેર્સ સુધારા તરફી અને 2138 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 187 શેર્સ વર્ષની ટોચે અને 21 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે 211 શેર્સમાં અપર સર્કિટ અને 180 શર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.