સ્મોલકેપ શેર્સમાં તેજી સાથે ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ, સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ સુધારાની ચાલ
Stock Market Today: ભારતીય શેરબજાર ગઈકાલે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા બાદ આજે સુધારાનો સિલસિલો જાળવી રાખી આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ 188 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ વધી 77636.19 થયો હતો. જે 10.30 વાગ્યે 234.91 પોઈન્ટ સુધારા સાથે 77534.99 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ નિફ્ટી 50 પણ સમાચાર લખાયા ત્યાં સુધીમાં 23618.10ની ટોચ બનાવી નવી સર્વોચ્ચ સપાટી બનાવવા જઈ રહ્યો છે. 10.30 વાગ્યે નિફ્ટી 58.80 પોઈન્ટ સુધરી 23596.65 પર ટ્રેડ થઈ રહ્યો છે.
રોકાણકારોની મૂડી 1 લાખ કરોડ વધી
બીએસઈ માર્કેટ કેપ 10.30 વાગ્યે 435.48 લાખ કરોડ સાથે આજે રોકાણકારોની મૂડીમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થયો છે. સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. બીએસઈ ખાતે ટ્રેડેડ 3740 સ્ક્રિપ્સમાંથી 2257માં સુધારો અને 1333માં ઘટાડો જોવા મળ્યો છે. 242 શેર્સ 52 વીક હાઈ અને 248 શેર્સમાં અપર સર્કિટ વાગી છે. 141 શેર્સ લોઅર સર્કિટે પહોંચ્યા છે. અશોક લેલેન્ડ, એસ્ટ્રલ લિ., એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાના શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે.
સ્મોલકેપ શેર્સમાં તેજીના પગલે ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે
સ્મોલકેપ શેર્સમાં આકર્ષક તેજી અને વધતી ખરીદીના પગલે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 52542.41ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં સામેલ 998 શેર્સમાંથી 620 શેર્સમાં 5થી 16 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. જ્યારે 376 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે.
બેન્કિંગ-ફાઈ. શેર્સમાં આજે ફરી લેવાલીનો માહોલ
બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં સતત લેવાલી વધી છે. બેન્કેક્સ 0.77 ટકા અને ફાઈ. સર્વિસિઝ ઈન્ડેક્સ 0.54 ટકા સુધર્યો છે. કેપિટલ ગુડ્સ પણ 0.43 ટકા ઉછળ્યો છે. ખાનગી બેન્કોમાં આકર્ષક વોલ્યૂમના કારણે બેન્કિંગ સેગમેન્ટમાં તેજી જોવા ણળી રહી છે. એચડીએફસી બન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, યસ બેન્કમાં વોલ્યૂમ વધ્યા છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.