શેરબજારમાં આજે ફ્લેટ ટ્રેન્ડ, બેન્ક-ઓટો સિવાય તમામ સેગમેન્ટના શેરોમાં સુધારો
Stock Market Today: શેરબજાર બપોરના ટ્રેડિંગ સેશનમાં સુધર્યું છે. સેન્સેક્સ બપોરે 12.18 વાગ્યે 277.96 પોઈન્ટ સુધરી 73264.99 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 80.35 પોઈન્ટ સુધરી 22280.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ 405.68 લાખ કરોડ થઈ હતી.
એફઆઈઆઈ સેલિંગ પ્રેશર તેમજ લોકસભા ચૂંટણી પરિણામોની અટકળો વચ્ચે માર્કેટ નિષ્ણાતો શેરબજારનો ટ્રેન્ડ નિશ્ચિત કરવા અસક્ષમ બન્યા છે. જો કે, વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ધૂમ ખરીદીનો ટેકો મળતાં શેરબજાર મોટા કડાકાથી હજી સુધી સુરક્ષિત રહ્યું છે. મે માસમાં એફઆઈઆઈની રૂ. 36372.77 કરોડની નેટ વેચવાલી સામે ડીઆઈઆઈએ રૂ. 30288.99 કરોડની નેટ ખરીદી નોંધાવી છે.
255 સ્ક્રિપ્સ અપર સર્કિટ વાગી
બીએસઈ ખાતે 255 સ્ક્રિપ્સ અપર સર્કિટ વાગી છે. જ્યારે 156 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ જોવા મળી છે. આજે 170 શેરો વર્ષની ટોચે પહોંચ્યા છે. 24માં 52 વીક બોટમ નોંધાઈ છે. 2092 સ્ક્રિપ્સ સુધારે અને 1596 સ્ક્રિપ્સ ઘટાડે ટ્રેડ થઈ રહી છે.
આઈટી શેરોમાં ઉછાળો, ઓટો સ્ટોક્સ તૂટ્યા
સેન્સેક્સ પેકમાં બપોરના ટ્રેડિંગ સેશનમાં 19 સ્ક્રિપ્સ સુધરી છે. 11માં 2.04 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતી એરટેલ 2.61 ટકા, ટેક મહિન્દ્રા 2.02 ટકા, ઈન્ફોસિસ 1.72 ટકા, એચસીએલ ટેક 1.50 ટકા સુધારે કારોબાર થઈ રહ્યા છે. જ્યારે મારૂતિ સુઝુકી 2.04 ટકા, ટાટા મોટર્સ 1.47 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો શેર્સ સિવાય તમામ ઈન્ડાઈસિસ સુધર્યા છે.
વોલેટિલિટી મંદ પડવાનો સંકેત
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIXમાં છેલ્લા કેટલાક સમયથી 10 ટકાથી વધુ ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચ બનાવ્યા બાદ હવે મોટા ઉછાળા પર છેલ્લા બે દિવસથી વિરામ લાગ્યો છે. આજે 0.23 ટકા સુધરી 20.32 પર ટ્રેડ થઈ રહ્યો છે.